કચ્છના ઇકોનોમિક કેપિટલ ગાંધીધામને સરકારની ભેટ: રૂ. ૧૭૬ કરોડના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત

ગાંધીધામ: કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે ગોપાલપુરીના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યકમમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 176 કરોડના વિકાસકામોનું ઈ – ખાતમુહૂર્ત કર્યું હતું. મહાનગરના નાગરિક તરીકેનું ગૌરવ મેળવવા બદલ ગાંધીધામવાસીઓને અભિનંદન પાઠવતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ગાંધીધામ મહાનગરપાલિકા થયા પછી પહેલીવાર મારે અહીં આવવાનું થયું છે. કચ્છના ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતાં અને રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરાવવાની સરકારની નેમ છે.
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ગાંધીધામ મહાનગરપાલિકાના અંદાજે રૂ. 176 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનો ખાતમુહૂર્ત સમારોહ.https://t.co/EqOkNS428x
— Gujarat Information (@InfoGujarat) November 23, 2025
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પહેલા ગાંધીધામ નગરપાલિકાનું વાર્ષિક બજેટ 110 કરોડ રૂપિયા હતું. પરંતુ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી તે છ ગણું એટલે 608 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ગાંધીધામને શહેરી વિકાસની વિવિધ યોજનામાંથી પાછલા ત્રણ વર્ષમાં 255 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્ય પ્રધાને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ખાતમુહૂર્તમાં સમાવેલ કામોની સરાહના કરતા જણાવ્યું હતું કે, હોલીસ્ટિક સીટીના વિકાસને વિચારને મૂર્તિમંત કરતા આ કામો સર્વગ્રાહી વિકાસની ઝલક દર્શાવે છે. સમય અનુકૂળ તથા નગરની પ્રાથમિક જરૂરિયાતોના કામોમાં આઇકોનિક રોડ, રસ્તા, પાણી, ગટર, ગાર્ડન–તળાવ સહિત જન જનને સ્પર્શતા વિકાસકામો સાથે મહાનગર પાલિકાએ આધુનિક કામો જેવા કે ફાયર સ્ટેશન તથા મોડર્ન લાઇબ્રેરી સહિતના વિકાસ કામોનો પણ સમાવેશ કર્યો છે જે સર્વગ્રાહી વિકાસ દર્શાવે છે.
શહેરોનો વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો અને કઈ સ્પીડનો હોય તે ગુજરાતના નગરોએ દેશને બતાવ્યું છે તેવું ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે, પહેલા વિકાસની માત્ર વાતો થતી પરંતુ નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિથી વિકાસને ધરાતલ પર ઉતાર્યો છે. કચ્છને ભૂકંપની આપદામાંથી બેઠું કરીને વિકાસની રાહે પૂરપાટ દોડતું કર્યું છે. વડાપ્રધાનના વિઝન અને વિકાસ થકી વેપાર, ઉદ્યોગ, ધંધા-રોજગાર, વ્યવસાયો, શિક્ષણ, આરોગ્ય દરેકે ક્ષેત્રે ગુજરાતે વિકાસની ચરમસીમા લાંઘી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, સ્થાનિક અર્થતંત્રને વેગ મળે, સ્થાનિક ઉત્પાદન વધે અને રોજગારીનું સર્જન થાય તે માટે રાજ્ય સરકાર રીજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે જેના થકી વધુને વધુ રોકાણ વધશે. જાન્યુઆરીમાં રાજકોટમાં યોજાનારી સૌરાષ્ટ્ર – કચ્છની વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ કચ્છમાં આવતાં મોટા ઉદ્યોગોને અનુરૂપ સ્થાનિક ઉદ્યોગોના વિકાસ અને વધુને વધુ રોકાણ આકર્ષવા મહત્વપૂર્ણ બની રહેશે તેવો આશાવાદ તેમણે સેવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકામાંથી મહાનગર મહાનગરપાલિકા બન્યા બાદ ગાંધીધામ શહેરમાં પ્રથમવાર પધારેલ સીએમ ભૂપેન્દ્ર પટેલનું શહેરીજનો દ્વારા એરપોર્ટથી ગોપાલપુરી સહિતના વિસ્તારોમાં ઢોલ નગારા સાથે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આપણ વાંચો: નવસારીમાં પહેલા ચોરે ઘંટડી વગાડી, પ્રણામ કર્યા અને પછી કારમાં શિવલિંગ મૂકી ભાગી ગયો!



