પત્નીની મૂડી પર પતિએ હાથ સાફ કર્યો; પુણે રહેતા પતિ વિરુદ્ધ ગાંધીધામમાં 25 લાખની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

ગાંધીધામઃ શહેરના ભારત નગરમાં રહેનાર એક મહિલા વકીલે તેણીના મહારાષ્ટ્રના પુણે ખાતે રહેતા પતિ વિરુદ્ધ રૂા. ૨૫,૨૧૦૦૦ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ હતી.
આ અંગે ભારતીબેન નારાયણદાસ બીજાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન પુણેના રોની ઘનશ્યામદાસ લાલજાણી સાથે લેવાયાં હતા. લગ્ન બાદ પુણેની ધી સેવા વિકાસ કો.ઓપરેટીવ લિમિટેડ બેંકમાં તેઓ નોકરી કરતા હતા અને તેમનો પગાર એ બેંકમાં જમા થતો હતો. બાદમાં ધી સેવા વિકાસ કો.ઓપરેટીવ લિમિટેડ આર.બી.આઇ. હેઠળ આવરી લેવામાં આવતાં તેમના એસ.બી.આઇ બેંકના ખાતામાં પગાર જમા થતો હતો.
આ દરમ્યાન તેણીનાં પતિ રોનીએ આ બેંક આર.બી.આઇ. હેઠળ આવી જશે તેમ જણાવી, વિશ્વાસમાં લઇ તેમની પાસેથી ચેક લઇ લીધા હતા અને તેમના બેંક ખાતામાં ફિક્સ ડિપોઝીટ કરી આપવાની વાત કરી હતી. તેમના ખાતામાંથી અલગ-અલગ તારીખોએ પતિએ તેના તથા સાસુ-સસરાના બેંક ખાતામાં રૂા. ૩૨,૫૫,૦૦૦ મેળવી લીધા હતા.
ઉઘરાણી કરતાં રૂા. ૭,૩૪,૩૦૦ પરત તેમના ખાતામાં જમા કરાવી નાખ્યા પણ બાકી રૂા.૨૫,૨૧,૦૦૦ ધરાર પરત આપ્યા નહોતા. ગાંધીધામ પોલીસે પતિ વિરુદ્ધ પત્ની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત આચરવા સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો…શેરબજારમાં રોકાણના નામે અમદાવાદના યુવક સાથે છેતરપિંડી, સાયબર ઠગો 17.90 લાખ ખંખેરી ગયા…



