ગાંધીધામના વેપારીએ ભર્યું ચોંકાવનારું પગલું, ટ્રક સાથે કાર ભટકાવીને જીવનનો આણ્યો અંત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીધામઃ ભુજ નજીકના શેખપીર અને કુકમા વચ્ચેના ધોરીમાર્ગ પર ગાંધીધામના જાણીતા આધેડ વયના વેપારીએ પોતાની કારને રસ્તાની સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ટકરાવીને કથિત આપઘાત કરી લેતાં કચ્છના વેપારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ હતી. અંતિમ પગલું ભરવા અગાઉ આ ૫૬ વર્ષીય વેપારીએ કાર હંકારતી વેળાએ એક વીડિયો બનાવી ગાંધીધામમાં પોતે ખરીદેલી દુકાન અને પ્લોટ બાબતે કેટલાક શખ્સો દ્વારા તેમના સાથે થયેલી ઠગાઈ આપઘાત કરવા પાછળ કારણભૂત હોવાનું જણાવી નામજોગ આક્ષેપ કરી મરવા માટે મજબુર કરાયો હોવાનું જણાવ્યું હતું.
ચર્ચાસ્પદ બનાવ અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગત સોમવારે બપોરે સાડા ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુકમા અને શેખપીર વચ્ચેના માર્ગ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ગાંધીધામના શક્તિનગરમાં રહેતા ૫૬ વર્ષીય નરેશભાઈ ધર્મદાસ ચંદનાની નામના વેપારીની પૂરપાટ દોડતી કિયા સેલ્ટોસ કાર ઉભેલી ટ્રકની પાછળ ટકરાઈ જતાં સારવાર નશીબ થાય તે અગાઉ તેમનું મોત નીપજ્યું હતું.
ગાંધીધામ વેપારી એસોસિયેશનના પ્રમુખ રાજુભાઇ ચંદનાનીના સગાભાઈ નરેશભાઈ દ્વારા સોશિયલ મીડિયા પર ચાલુ કારમાં બનાવેલો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પોતાની સાથે વર્ષ ૨૦૦૯માં ગાંધીધામ શહેરના ચાવલા ચોકમાં રૂ.૬૫ લાખમાં માણેક ચેલાણી પાસેથી ખરીદેલી દુકાન અને પ્લોટ મામલે સંજય રાય, કંચન રાય,અશોક ચેલાણી,માણેક ચેલાણી,બંટી ચેલાણી, મનીષ ઠક્કર અને રમેશ ગઢવી સહીતનાઓએ છેતરપિંડી આચરી હોવાનો અને મિલકતની ખરીદીમાં ઠગાઈ અને સતત હેરાનગતિ કરવામાં આવતા પોતે આપઘાત કરી રહ્યા હોવાનું વિડીયોમાં જણાવ્યું હતું.
અશોક ચેલાણીએ માલિકી હક્ક માટે ૨૨ લાખ લીધા હતા. બાદમાં આ મિલ્કત કંચન રાયના નામે હોવાનું સામે આવતાં આ મામલે પોલીસમાં પણ રજૂઆત કરાઈ પણ આ શખ્સો વગદાર હોવાથી કોઈ કાર્યવાહી થઇ ન હતી.
આ દુકાન સહીતની મિલ્કત પર ૨૩૮ કરોડની લોન લીધેલી હોવાનું સામે આવતા આ શખ્સોએ દુકાનની કિંમત મુજબ ૧.૫૦ કરોડ આપવાનું કહ્યું હતું પણ આપ્યા ન હતા. વર્ષ ૨૦૧૯માં બેંકે મિલ્કત જપ્ત કરી દેતા પોતે ૧.૫૦ કરોડમાંથી ૦માં આવી ગયો હતો. ત્યારબાદ ફેક્ટરી માટે મનીષ ઠક્કર અને રમેશ ગઢવી પાસેથી પોતે પ્લોટ ભાડે લીધો હતો અને ૨ વર્ષમાં ખરીદી લેવાનું શરત રાખી હતી.ત્યારે આ શખ્સોએ ખરીદવા સમયે માર્કેટ કરતા ૫ લાખ વધારે લેશે તેવું કહ્યું હતું, જે બાદ હતભાગી વેપારીએ ફેક્ટરી બનાવવાનું શરુ કર્યું જો કે કોરોનાકાળ હોઈ, કામ બંધ કરવાની ફરજ પડી અને ઊંચું ભાડું વસૂલી લેવામાં આવ્યું હતું.
પ્લોટમાં ફેક્ટરી ઉભી થઇ જતા બન્ને શખ્સ આવ્યા અને પ્લોટ ખાલી કરવાનું કહ્યું હતું. બે વર્ષ સુધી ભાડું વસૂલ્યા બાદ પ્લોટ ખાલી કરાવવા દબાણ કર્યું અને હુમલો કરી, ધાકધમકી આપતા ફરિયાદ કરી હતી. જે બાદ આ શખ્સોએ પુત્ર અને મૃતક સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ પણ કરી હતી. આ લોકોના પોતાને કારણે કરોડોનું નુકસાન થયું છે. જેથી કંટાળી આપઘાત કરવા જાઉં છુ. મહેરબાની કરી મને અને મારા પરિવારને ન્યાય અપાવજો એમ વીડિયોમાં મૃતકે જણાવ્યું હતું.
આપણ વાંચો: હવે બેંક લોકર પણ સલામત નથી, રાજકોટમાં રૂ. એક કરોડનું સોનું ગાયબ થતાં ખળભળાટ



