શિક્ષિકા જ સાયબર ફ્રોડના શિકાર બન્યાઃ કચ્છમાં ફરી ડિજિટલ એરેસ્ટનો કેસ…

ભુજઃ મની લોન્ડરિંગ કેસના નામે ડરાવી-ધમકાવી સરહદી કચ્છના ગાંધીધામ શહેરમાં રહેતાં એક આધેડ વયના શિક્ષિકાને ૧૫ કલાક સુધી ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર અપરાધીઓએ ૧૫.૫૦ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
Also read : કુરિયરની આડમાં ગાંજાની હેરાફેરી: ગાંધીધામમાં 12 કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા
શહેરના વૉર્ડ નંબર ૭-બીમાં રહીને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરનારા ૫૨ વર્ષીય કાન્તાબેન નરેશભાઈ સોલંકીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ૬ ફેબ્રુઆરીના રોજ તેમને ‘સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ, મુંબઈ’ લખેલા નંબર પરથી વૉટસએપ કૉલ આવ્યો હતો.
ગભરાઈને તેમણે સામેથી તે નંબર પર સંપર્ક કરતાં પોલીસ વર્દીમાં રહેલા સાયબર માફિયાએ તમારા આધાર કાર્ડના નંબર થકી મુંબઈની કેનેરા બેન્કમાં ખાતું ખૂલ્યું હોવાનું અને તેમાં નાણાંની હેરફેર થતાં મની લોન્ડરિંગનો કેસ દાખલ થયો હોવાનું જણાવી, ફોન કટ ના કરવા કરડાકી ભર્યા અવાજે સૂચના આપી હતી.
ત્યારબાદ કુલ ૨૪ લોકો સાથે ૫૩૮ કરોડનું ફ્રોડ થયું છે અને આ ગુનાનો સૂત્રધાર જેટ એરવેઝનો માલિક નરેશ ગોયલ હોવાનું જણાવી સાયબર માફિયાઓએ કાન્તાબેનને ડરાવી દીધાં હતાં.
આરોપીઓએ આ કેસ નેશનલ સિક્રેટ હોવાનું તમારા જીવને જોખમ હોવાનું કહીને અશોક સ્થંભવાળા સીબીઆઈ અને સુપ્રીમ કૉર્ટના અલગ અલગ ઓર્ડર વોટસએપ પર મોકલીને તેમને વધુ ડરાવી મૂક્યાં હતાં. ફરિયાદીને સાયબર માફિયાઓએ આખી રાત સળંગ પંદર કલાક ડિજિટલ અરેસ્ટ કરી તેઓ જ્યાં જાય તે અંગે મેસેજ કરી જાણ કરવા હુકમ કર્યો હતો. એટલું જ નહિ, આધેડ શિક્ષિકાને તેમની મકાન-મિલકતો જપ્ત થવા સાથે ધરપકડ થવાની ચીમકી આપી હતી.
આ સાથે તેમને છાપું વાંચવા સુધ્ધાં ના પાડી હતી. વાત વાતમાં કાન્તાબેનને વિશ્વાસમાં લઈને માફિયાઓએ વિવિધ બેન્ક ખાતાઓની વિગતો આપીને ૧૫.૫૦ લાખ રૂપિયા મેળવી લીધાં હતાં. ૧૮ ફેબ્રુઆરીના રોજ છાપું વાંચતા વડોદરાની એક મહિલાને પોતાની જેમ જ ડિજિટલ અરેસ્ટ કરીને સાયબર માફિયાઓએ રૂપિયા પડાવ્યાં હોવાનો કિસ્સો ધ્યાને આવતાં કાન્તાબેને નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર જાણ કરતાં સમગ્ર બનાવ બહાર આવ્યો છે.
Also read : ઈકો ઝોન મુદ્દે કૃષિ અને વન પ્રધાન સાથે ભારતીય કિસાન સંઘે કરી બેઠક, જાણો શું થઈ રજૂઆત
હાલ પોલીસે અજ્ઞાત લોકો વિરુદ્ધ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.