આદિપુરમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોર દંપતીને કોર્ટે કારાવાસની સજા ફટકારી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ સરહદી કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલના આદિપુર ખાતે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને વસવાટ કરતા બાંગલાદેશી દંપતીના ચાર વર્ષ જૂના કેસમાં અત્રેની નામદાર અદાલતે આરોપી પતિને ત્રણ વર્ષ અને તેની પત્નીને છ માસના સખ્ત કારાવાસની સજા ફટકારવામાં આવી હતી.
મૂળ બાંગ્લાદેશી એવો મહંમદ અલામીન મહંમદ સુકુર શેખ (ઇસ્વાલ) અને તેની પત્ની રોની ઉર્ફે પ્રિયા મહંમદ અલામીન શેખ ભારતની સીમમાં ઘૂસણખોરી કરી, કચ્છના આદિપુર શહેરમાં અનઅધિકૃત રીતે રહેતા હતા. તેઓ અંગે જાણકારી મળ્યા બાદ પોલીસે પકડી પાડી તેમની વિરુદ્ધ જુદી જુદી કલમો તળે ગુનો નોંધ્યો હતો.
આ દંપતી ભારતનું ન હોવા છતાં અહીં ઘૂસણખોરી કરી ખોટા દસ્તાવેજ, આધારકાર્ડ વગેરે બનાવી બેંક ઓફ બરોડા, અંધેરી વેસ્ટ, મુંબઇ ખાતે ખાતું ખોલાવ્યું હતું. આ બંનેએ ખોટા દસ્તાવેજ ઉભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. બંનેની ધરપકડ બાદ પૂરતા પુરાવા હોવાથી બંને સામે અહીંની અધિક ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ હિતેષી પી. ગઢવીએ હાજર રહી દલીલો કરી પુરાવા રજૂ કરી સંપૂર્ણ કેસ ચલાવ્યો હતો તથા સજા અંગેની દલીલો સરકારી વકીલ એસ. જી. રાણાએ કરી હતી. ન્યાયાધીશ એ. એમ. મેમણે બંને પક્ષની દલીલો સાંભળી, પુરાવા ચકાસી આ બાંગ્લાદેશી દંપતીને તક્સીરવાન ઠેરવ્યા હતા અને જુદી જુદી કલમો તળે મહંમદ અલામીનને ત્રણ વર્ષની સાદી કેદ તથા રોની ઉર્ફે પ્રિયાને છ માસની કેદ તથા બંનેને કુલ રૂા. ૩૦૦૦નો દંડ ફટકાર્યો હતો તેમજ દંડની રકમ ન ભરે તો વધુ સજાનો આદેશ આપ્યો હતો.