બેંકના જ નિવૃત્ત કર્મચારી સાથે થયો ફ્રોડઃ ક્રેડિટ કાર્ડમાં પૈસા વધારવાના બહાને પૈસા ગુમાવ્યા…

ભુજઃ કચ્છના ગાંધીધામ શહેરના સપના નગરમાં રહેનાર ખુદ બેંકના નિવૃત્ત મહિલા કર્મચારીને ક્રેડિટકાર્ડમાં લિમિટ વધારવાના બહાને સાયબર ક્રિમિનલોએ રૂા.૧,૬૮,૫૬૭ સેરવી લેતાં ચકચાર પ્રસરી છે. સપનાનગર-એન.યુ. ૪, મકાન નંબર ઇ-૫૨માં રહેનાર તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી નિવૃત્ત થયેલા ધનલક્ષ્મીબેન શૈલેશ ગોર નામના મહિલાએ સાયબર પોલીસને જણાવ્યું હતું કે, ગત તા. ૨૫-૪ના બપોરે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે એચ.ડી.એફ.સી. બેંકના ક્રેડિટકાર્ડ કોના નામે છે.
તેવું પૂછતાં ફરિયાદીએ પોતાના પતિના નામે હોવાનું કહ્યું હતું. આ કાર્ડમાં ક્રેડિટ વધારવી છે તેવું પૂછતાં ફરિયાદીએ હા પાડી હતી. બાદમાં થોડીવાર બાદ ફરીથી વોટ્સએપ વીડિયો કોલ આવ્યો હતો, જેમાં મીરાં નામની બેંકના યુનિફોર્મ જેવો વેશ ધારણ કરનાર યુવતીએ ધનલક્ષ્મી બેન પાસેથી ક્રેડિટ કાર્ડની તમામ વિગતો જેમાં કાર્ડના નંબર, સીવીવી નંબર, એક્સપાયરી, નામ વગેરે માંગી હતી જે આપી દીધી હતી. એકાદ કલાક ચાલેલા કોલમાં મીરાંએ ફોન કટ ન કરવા અને પ્રોસેસ ચાલુમાં હોવાનું તથા ક્રેડિટ લિમિટ ૫,૬૦,૦૦૦ થઇ ગયાનું કહ્યું હતું.
દરમ્યાન, મહિલાને શંકા જતાં તેમણે ફોન કટ કરી નાખ્યો હતો. બાદમાં પોતાના પતિના ક્રેડિટકાર્ડમાં ઓનલાઇન તપાસ કરતાં રૂપિયા ૧,૬૫,૫૬૭ના ત્રણ ટ્રાન્જેક્શન થઇ ગયાનું બહાર આવ્યું હતું. તેમણે પોતાના પુત્રને ફોન કરીને તરત પોતાનું અને પોતાના પતિનું કાર્ડ બ્લોક કરાવી નાખ્યું હતું.
સાયબર પોલીસે અજ્ઞાત લોકો વિરુદ્ધ આઈ.ટી એક્ટ તળે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે, આવા ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં નાણાં જેના ખાતામાં ગયા હોય અને ત્યાંથી અનેક ઉથલપાથલ થાય તે પૂર્વે જ વહેલી તકે સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરવામાં આવે તો નાણાં પરત મળવાની સંભાવના વધી જાય છે.
આપણ વાંચો : ગાંધીધામમાં પાણી પીવાના બહાને આવેલો બાવો 14 લાખના દાગીના લઈ ફરાર