કચ્છ

ઉત્તરાયણ પૂર્વે ભુજમાં ચીકી-ગોળના વેપારીઓ પર ફૂડ વિભાગના દરોડા, શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ દૂષિત પાણી અને બિન આરોગ્યપ્રદ સ્ટ્રીટ ફૂડના લીધે ફાટી નીકળેલા ટાઇફોડના રોગચાળા વચ્ચે હરકતમાં આવેલાં ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા હાલ રાજ્યભરમાં સઘન તપાસ ચલાવાઈ રહી છે તેવામાં જિલ્લા મથક ભુજ ખાતે ભુજિયા ડુંગરની ગોદમાં આવેલી જથ્થાબંધ બજારમાં ગોળ સહિતનો શંકાસ્પદ અખાદ્ય ખોરાકનો જથ્થો સીઝ કરવામાં આવતાં વેપારી આલમમાં ચકચાર મચી ગઈ હતી.

આગામી ઉત્તરાયણ પર્વ નિમિતે મોટાપાયે ખરીદવામાં આવતી ચીકીની વિવિધ વેરાયટીઓને બનાવવા વપરાશમાં લેવાતાં ગોળ,તલ, ખાંડ જેવાં રો-મટિરિયલની ચકાસણી અર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર એ.બી. પટેલનાં માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એમ. પટેલ તથા એસ.બી. પટેલ દ્વારા ભુજની જથ્થાબંધ બજારમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો…અમદાવાદીઓને ઉત્તરાયણે મજા પડી જશે, પવનની ગતિ વધીને ક્યાં પહોંચશે?

વિવિધ પેઢીઓની તપાસમાં વેચાણ કરાતા ગોળ તથા ચીકી સહિતના અન્ય ખાદ્ય પદાર્થોની શંકાના આધારે મે. મોમાઈ ટ્રેડર્સ, માર્કેટ યાર્ડ ભુજમાંથી એફ.બી.ઓ. ચૌધરી દિનેશ ગંગાદાસ હસ્તકના વડેચા દેશી ગોળ, જૈનમ દેશી ગોળ ૯૦૦ ગ્રામનો નમૂનો લઈને પૃથક્કરણ અર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પ્રયોગશાળામાં મોકલી અપાયો હતો. આ ઉપરાંત વધેલા ૧૨ પેટી જેટલા રૂ.૧૦૮૧૨ના રો-મટિરિયલના જથ્થાને પૃથક્કરણ અહેવાલ ન આવે ત્યાં સુધી સ્થળ પર જ સીઝ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button