વરસામેડીમાં સ્થિત વેલસ્પન કંપનીના કોટનનાં ગોદામમાં ભીષણ આગ...

વરસામેડીમાં સ્થિત વેલસ્પન કંપનીના કોટનનાં ગોદામમાં ભીષણ આગ…

ભુજ: પૂર્વ કચ્છના અંજાર શહેરની ભાગોળે આવેલા વરસામેડી ગામમાં આવેલી વેલસ્પન કંપનીના ગોદામમાં ભયાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારોમાં ભયની લાગણી પ્રસરી હતી. કોટનને રાખવા માંટે ઉપયોગમાં લેવાતાં ગોદામમાં ફાટી નીકળેલી વિકરાળ આગને ઠારવા માટે દોડતા થયેલા પ્રશાશને અંદાજિત ૧૨ જેટલા ફાયર ફાઇટરોની મદદ વડે માંડ કાબૂમાં લીધી હતી. સદ્ભાગ્યે આગજનીના આ બનાવમાં કોઇ જાનહાનિ ન થઇ હોવાનું બહાર આવતાં સૌએ રાહતનો દમ લીધો છે.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વરસામેડી ગામના સીમાડે આવેલી વેલસ્પન કંપનીના કોટનનાં ગોદામમાં ગત શુક્રવારે અગિયાર વાગ્યાના અરસામાં અચાનક ફાટી નીકળેલા દાવાનળે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ મહાકાય આગના ધૂમાડા છેક અંજાર સુધી નજરે પડયા હતા. મોટા ગોદામમાં કપાસની ગાંસડીઓ રાખવામાં આવી હતી, જેમાં વિશાળ આગે વિરકરાળ રૂપ ધારણ કરતાં કંપનીના જવાબદારોના જીવ પડીકે બંધાયા હતા.

શરૂઆતમાં વેલસ્પન અને બાદમાં અંજાર પાલિકા, ભુજ નગર પાલિકા, ગાંધીધામ મહાનગરપાલિકા, સુઝલોન, દિન દયાલ પોર્ટ ઓથોરિટીના ૧૨ જેટલા અગ્નિશમન દળના ફાયર ફાઇટરો તાત્કાલિક બનાવ સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે ચારે બાજુથી પાણીનો મારો ચલાવ્યો હતો. વેગીલા વાયરાઓએ આગ ઠારવાના કાર્યમાં વિઘ્ન ઊભાં કર્યાં હતા. અંદાજે સાતેક કલાક સુધી સતત પાણીનો મારો ચલાવાયા બાદ આ વિકરાળ આગ શાંત પડી હતી.

કોટનના જથ્થામાં આગ શા માટે ફાટી નીકળી તે જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની ટુકડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આપણ વાંચો : ‘રણ નહીં, ગુજરાતનું તોરણ છે કચ્છ’ વડાપ્રધાન મોદીએ કચ્છી લોકોના ખમીરને બિરદાવ્યું,

સંબંધિત લેખો

Back to top button