કચ્છના દસ તાલુકાના ૬૯૬ ગામના ખેડૂતોનાં હિતમાં લેવાયેલો નિર્ણયઃ જાણો વિગતવાર...

કચ્છના દસ તાલુકાના ૬૯૬ ગામના ખેડૂતોનાં હિતમાં લેવાયેલો નિર્ણયઃ જાણો વિગતવાર…

ભુજઃ ભારતને મળેલી આઝાદી બાદ અમલમાં આવેલા મહેસૂલી કાયદા અંતર્ગત સીમાવર્તી કચ્છમાં ખેતી વિહોણા પરિવારોને સાથણી કે ગણોતધારા હેઠળ ફાળવવામાં આવેલી નવી શરતની ખેતીની જમીનને જૂની શરતમાં ફેરવવાનો અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે

અને આ રણપ્રદેશના ૬૯૬ જેટલા ગામમાં સુઓમોટો દાખલ કરીને ૯૫૬૫ સર્વે નંબરની ૨૮૭૫૫ એકર જમીનને જૂની શરતમાં ફેરવી દેવાતાં નવી શરત અને જૂની શરતની મહેસૂલી આંટીઘૂંટીમાં અંદાજે ૭૫ વર્ષથી અટવાયેલા કચ્છના ખેડૂતોને કોઈ પણ જાતના પ્રીમિયમની રકમ ચૂકવ્યા વગર એક જ હુકમથી ખેતીલાયક જમીન જૂની શરતમાં ફેરવી દેવાતાં કચ્છના અંદાજે ૨૦ હજારથી વધુ ખેડૂતના ઘરમાં શ્રાવણ માસમાં દીપોત્સવી પર્વ જેવો માહોલ સર્જાયો છે.

શું કહ્યું કચ્છના કલેક્ટરે?
કચ્છના મહેસૂલી વડા અને કલેક્ટર આનંદ પટેલે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કચ્છ માટે અત્યાર સુધી મોટો નિર્ણય કર્યો છે. કચ્છમાં શહેરી વિસ્તારના સત્તા મંડળ સિવાય અને ભૂદાન કે ટોચમર્યાદાવાળી કે ઈનામી ધારાની જમીનો ન હોય તેવી દસ તાલુકાની જે ૧૯૫૦થી કરીને અત્યાર સુધી સાંથણી કે ગણોતિયા તરીકે જેઓ ખેતી વિહોણા હતા તેમને ફાળવવામાં આવેલી જમીનોને હવે નવી શરતને બદલે જૂની શરતમાં ફેરવી દેવામાં આવી છે.

આ પગલાંથી કચ્છના ૬૯૬ જેટલા ગામના ખેડૂતો માટે સુઓમોટો દાખલ કરી ૯૫૬૫ સર્વે નંબર હવે જૂની શરતમાં સમાવાઈ ગયા છે. કચ્છમાં કુલ ૧૨૪૦૦ સર્વે નંબરમાંથી રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે ૯૫૬૫ સર્વે નંબરની કચ્છના ગામોની જમીનોની યાદી તૈયાર કરી એકસામટે મહેસૂલની કોઈ આંટીઘૂંટીમાં આવ્યા વગર લાભ આપી દેવામાં આવ્યો છે.

મહેસૂલી નિયમો પ્રમાણે કોઈ પણ ખેતીની કે ઘર બનાવવા માટે નવી શરતમાં ફાળવવામાં આવેલી ભૂમિને જૂની શરતમાં ફેરવવા માટે સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડે ને સરકારની જંત્રી પ્રમાણે થતી પ્રીમિયમની રકમ નક્કી થયા બાદ આ પ્રીમિયમ ભર્યા પછી જ જૂની શરતમાં ફેરવવામાં આવતી હોય છે. નવીમાંથી જૂની શરતમાં ફેરવવાના કિસ્સામાં અત્યાર સુધી જે પ્રક્રિયામાંથી અરજદારો પસાર થયા છે.

તેઓને લાખો કે કરોડો રૂપિયાના પ્રીમિયમની રકમ ભરવાનો વારો આવ્યો છે, પરંતુ આજના નિર્ણયમાં સરકારે પ્રીમિયમ માફ કરીને જૂની શરતનો હક્ક આપ્યો છે, એમ કલેક્ટરે જણાવ્યું હતું. જો વેચસાટ થાય તો વેચનાર કે ખરીદનારે પ્રીમિયમ ભરવું નહીં પડે અને બિનખેતી માટે ફેરવવાના કિસ્સામાં પણ કલેક્ટરની પરવાનગી જે અગાઉ લેવી પડતી હતી તે લેવી નહીં પડે.

દરેક ગામોમાં સ્થાનિક તાલુકાના મામલતદારો દ્વારા કરાયેલા હુકમમાં જણાવાયું છે કે, આ નવી અને અવિભાજ્ય શરતની, પ્રતિબંધિત સત્તા અથવા નિયંત્રિત સત્તા પ્રકારની જમીનો ખેતીથી ખેતી હેતુ માટે તબદિલી કે ખેતીની બિનખેતી હેતુની તબદિલી કે બિનખેતી હેતુફેર (રિવાઝ્ડ બિનખેતી) માટે પ્રીમિયમના હેતુ કલેક્ટરની પરવાનગી લેવાની રહેશે નહીં તેમજ કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ પણ ભરવાનું રહેશે નહીં, તેવું ઠરાવવામાં આવ્યું છે.

વિશેષમાં, આ હુકમ ઠરાવના પેરા-(ગ)માં જણાવેલા ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારો-૧૯૬૦ હેઠળની જમીનો, ભૂદાન હેઠળની જમીનો, સહકારી મંડળીઓને સાંથણી હેઠળ ફાળવવામાં આવેલી સરકારી જમીનો, નવસાધ્ય કરવા માટે ફાળવવામાં આવેલી જમીનો, નાળિયેરી-ફળઝાડ ઉછેરવા જેવા અન્ય ચોક્કસ હેતુ માટે ફાળવવામાં આવેલી જમીનોને લાગુ પડશે નહીં તેવું સ્પષ્ટ જણાવાયું હતું.

આ નિર્ણયના જોખમો પણ છે
દરમ્યાન, મહેસૂલ અને ખેતીના જાણકારોએ આ નિર્ણય સામે જોખમ પણ દર્શાવ્યા છે જેમાં જે-તે વખતે સરકાર સમક્ષ વખતોવખત ખેતીની જમીનવિહોણા પરિવારો દ્વારા ખેતી કરવા જમીનની માગણીઓ કરવામાં આવતી હોવાથી સરકારે માત્ર ખેતી કરવા સાંથણી કચેરી યોજી જરૂરિયામંદોને જમીનો ફાળવી હતી જે નવી શરત પ્રમાણે હતી. પણ હવે જો જૂની શરતમાં ફેરવાશે, તો ખેતી નષ્ટ થશે અને ગામડાઓમાં પણ બિનખેતીનું પ્રમાણ વધતું જતું હોવાથી પરંપરાગત ખેતી પડી ભાંગશે, જે આવનારા સમય માટે મોટા પડકારો ઊભા કરી શકે તેમ છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button