કચ્છ

કચ્છમાં ફાગણ મહિનો આકરા પાણીએ: ભુજ સહિત કચ્છના મોટાભાગના મથકો ૪૦ ડિગ્રી મહત્તમ તાપમાનમાં શેકાયા…

ભુજ: હોળી મહાપર્વને હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એ વચ્ચે સમગ્ર રાજ્ય સહીત રણપ્રદેશ કચ્છમાં સફેદ વાદળોની હાજરી વચ્ચે અકળાવનારા તાપ સાથે ફાગણ મહિનો આકરા પાણીએ થયો હોય તેમ વાગડથી લઈ કોટેશ્વર સુધી ગરમીનું મોજું ફરી વળતાં જનજીવન તોબા પોકારી ઊઠયું છે.

Also read : કઈ રીતે ઉજવીએ મહિલા દિવસ?: કચ્છ જેવી ઘટનાઓ છાશવારે બને છે

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમ્યાન ગુજરાતમાં ઉષ્ણતામાનનો પારો ૪૦થી ૪૨ ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરી છે એ વચ્ચે રણપ્રદેશ કચ્છમાં ધાબડીયાં આકાશ વચ્ચે બપોરે લૂ વર્ષા સાથે રાત્રે પણ ઉકળાટનો દોર યથાવત્ રહેતાં લોકો આકરી ગરમી અનુભવી રહ્યા છે. જિલ્લા મથક ભુજમાં આજે મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચતા જ આભમાંથી અગનજવાળા વરસવાનું શરૂ થઈ ગયું હતું અને આ કિલ્લેબંધ શહેરે રાજ્યના સૌથી ગરમ મથકોમાં પોતાનું અગ્રક્રમે સ્થાન જાળવી રાખ્યું હતું.

ત્રણ-ચાર દિવસ અગાઉ ૬.૪ ન્યુનતમ તાપમાન સાથે ઠંડીનો ચમકારો અનુભવી ચૂકેલા અબડાસાના મુખ્ય મથક નલિયામાં આજે ૩૬ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે બળબળતા તાપની આણ થોડી નરમ પડેલી જોવા મળી હતી.

બીજી તરફ રણકાંધીના રાપર અને ખાવડામાં ૩૯.૫ ડિગ્રીની આસપાસ ઊંચું તાપમાન રહેતાં સર્વત્ર ગરમીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે.સરહદી કચ્છનું લઘુતમ તાપમાન ઊંચા ભેજ સાથે ૨૯ ડિગ્રી જેટલું ઊંચું રહેતાં મોડી રાત્રિના પણ ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. ગુલાબી ઠંડી સાથે વધતી જતી ગરમી વચ્ચે ઋતુજન્ય રોગચાળો હાલ માથું ઊંચકી રહ્યો છે.

Also read : એક તો ડોક્ટરોની અછત ને હવે 700 કર્મચારી સામૂહિક રજા પરઃ દરદીઓ બેહાલ થયા કચ્છમાં

તેવામાં લોકોએ તીખાં-તળેલાં અને વાસી ખોરાક તેમજ વધુ પડતી ‘એડેડ સ્યુગર’ ધરાવતાં ઠંડા પીણાં, ટેટ્રા પેકમાં મળતા ફ્લેવર્ડ ફ્રૂટ જ્યુસ ન લેવાં જોઈએ તેવું ભુજના જાણીતા બાળરોગ નિષ્ણાત ડો.નેહલ દિલીપરાય વૈદ્યે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button