
ભુજઃ ગઈકાલે દેશમાં ઠેર ઠેર કૃષ્ણજન્મની રંગેચંગે ઉજવણી થઈ. રાત્રે બાર વાગ્યે મંદિરોમાં કૃષ્ણજન્મની ઉજવણી થઈ હતી અને દિવસભર દહીંહાંડીના કાર્યક્રમો થયા હતા. આ દરમિયાન કચ્છમાં એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તો ઘણા ઘાયલ થયા છે.
કચ્છના ચોબારી ગામમાં મટકી ફોડતા સમયે વીજળીનો થાંભલો ભીડ ઉપર પડ્યો હતો, જેના નીચે દબાઈ એક યુવક મરી ગયો અને બાકીના ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. ઘાયલોને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.
આ મામલે ગામના સરપંચ પાસેથી મળતી માહિતી અનુસાર મટકી ફોડવાના કાર્યક્રમમાં ગ્રામજનોની મોટી ભીડ જમા થઈ હતી. આ દરમિયાન ગામના યુવાનો મટકી ફોડવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે મટકીનું દોરડું જે વીજળીના થાંભલા સાથે બાંધ્યું હતું તે થાંભલો જ અચાનક ભીડ પર પડ્યો અને આસપાસ હતા તે લોકોને ઈજા થઈ.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં એકનું મોત થયુ છે અને હજુ એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે, જેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો…કચ્છમાં જન્માષ્ટમીની રંગત: ભુજના લોકમેળામાં ત્રણ લાખથી વધુ લોકો ઉમટ્યા