કચ્છ

કચ્છમાં ‘પુષ્પા’ ફિલ્મની સ્ટાઈલમાં દારુની હેરાફેરીઃ ટેન્કરમાં લઈ જવાતો 78 લાખનો દારૂ ઝડપાયો…

ભુજઃ પૂર્વ કચ્છની સ્થાનિક ગુનાશોધક શાખાએ સામખિયાળીથી મોરબી તરફ જતા ધોરીમાર્ગ પરથી જંગી માત્રામાં વિદેશી દારૂ ભરેલાં ટેન્કરને ઝડપી પાડીને તેમાંથી ૭૮.૨૫ લાખની કિંમતનો દારુ જપ્ત કરીને મૂળ રાજસ્થાની ડ્રાઈવરની ધરપકડ કરી હતી

પૂર્વ બાતમીના આધારે સ્થાનિક ગુનાશોધક શાખાએ સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહેલા જીજે-૦૬ એઝેડ-૯૨૨૩ નંબરના ટેન્કરને અટકાવ્યું હતું. તલાશી લેતાં પાછળ યુક્તિપૂર્વક છુપાવેલો દારુનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંગ્રેજી પ્રકારના શરાબની ૩૫૨૮ બોટલ અને ૧૮૦ એમએલની ૧૧૨૮૦ બોટલ મળી કુલ ૭૮.૨૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

દારુના સ્ટોકને પંજાબના જલંધરથી મોરબી પહોંચાડવાનો હતો. અટકમાં લેવામાં આવેલા ડ્રાઈવર જગદીશ ડારા (બિશ્નોઈ) (રહે. ઝાલોર, રાજસ્થાન)એ પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું હતું કે, સંજયસિંહ વિજેન્દરસિંહ (સીકર, રાજસ્થાન) અને ધીરસિંહ સુભાષ રેવાડ (રહે. ઝુંઝનુ, રાજસ્થાન) નામના શખસોએ ‘પુષ્પા’ ફિલ્મની જેમ ટેન્કરમાં બનાવાયેલાં ચોર ખાનામાં દારૂ ભરાવ્યો હતો.

પંજાબના જલંધરથી દારૂ ભરેલું ટેન્કર કાળુ બિશ્નોઈ (રહે. ઝાલોર)એ તેને આપ્યું હતું. આ ટેન્કરને મોરબી પહોંચાડ્યા બાદ તેમને ફોન કરવાનો હતો પરંતુ પોલીસે અધવચ્ચે તેને આંતરી લીધો. ટેન્કરનો માલિક અમરેલીના રાજુલાનો ગોપારામ છોગારામ છે. પોલીસે કુલ ૧ કરોડ ૮ લાખ ૫૦ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આપણ વાંચો : કચ્છમાં SMCએ દરોડા પાડી કરોડની શરાબ પકડી, જે લોકલ પોલીસને ન મળી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button