કચ્છ સાથે જોડાયેલી પાકિસ્તાનની સરહદ નજીક ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ…
ભુજ: છેલ્લા કેટલાક દિવસોથી કચ્છ અને સૌરાષ્ટ્રના અમરેલી,જૂનાગઢ સહિતના વિસ્તારોમાં સતત આવી રહેલા ધરતીકંપના આંચકાઓને કારણે લોકોમાં ડરનો માહોલ છે, ત્યારે કચ્છને અડકીને આવેલી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પાસે 3.7ની તીવ્રતાના આવેલા ભૂકંપના શક્તિશાળી આંચકાની અસર લખપત આસપાસના વિસ્તારો સુધી અનુભવાતા લોકોમાં ગભરાત ફેલાયો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાસ; NCB એ સાથે 3 નાઈજીરીયન સહિત ચારની ધરપકડ કરી…
આ વિસ્તારમાં આંચકો અનુભવાયો:
આ અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીએથી જાણવા મળેલી વિગતો અનુસાર, સોમવારના સવારે 10 અને 44 કલાકે લખપતથી 76 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં આવેલા પંજાબ ચોકના સાહબદીન મીઠી પ્રાંતમાં રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ઉદભવ્યો હતો. આ આંચકો કચ્છના લખપત,ખાવડા અને ધોરડો સુધીના અનુભાવાયો હતો.
ભૂગર્ભીય હિલચાલ વધી:
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભીય હિલચાલ ચિંતાજનક રીતે વધી રહી છે. કચ્છના રાપર, ભચાઉ અને ધોળાવીરા સહિતના વિસ્તારોમાં વાગડ ફોલ્ટલાઇન સક્રિય થઇ છે અને જાન્યુઆરીથી ડિસેમ્બરની 23 તારીખ સુધીના સમયગાળામાં ભૂકંપના હળવાથી મધ્યમ તીવ્રતાના સેંકડો આંચકાઓ નોંધાઈ ચુક્યા છે.
સૌરાષ્ટ્રના અમરેલી, તલાલા, જામનગર અને ઉના, તેમજ ઉત્તર ગુજરાતના પાલનપુર વિસ્તારમાં પણ સતત ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે. એશિયન પ્લેટોનોમિક ઝોનમાં આવતા ઈરાન,પાકિસ્તાન, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં પણ ધરતીકંપના આંચકાઓ સતત આવી રહ્યા છે.
આ પણ વાંચો : કંડલા પોર્ટના આધેડ વયના કર્મચારી હની ટ્રેપમાં ફસાયા! ટોળકીએ 23 લાખ પડાવી લીધાં…
આ દેશોમાં પણ આજે ભૂકંપ આવ્યો:
આજે કચ્છની ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા ભૂકંપના આંચકાની સાથે સાથે ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં પણ ભૂકંપના ત્રણ શક્તિશાળી આંચકાઓ આજ સમયે નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.