
કચ્છના ગાંધીધામ ના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ)ના એક એકમમાં એક કન્ટેનરની ગાંસડીમાથી સોર્ટિંગ વખતે હેન્ડ ગ્રેનેડ મળી આવતા દોડધામ મચી જવા પામી હતી, વિદેશથી આયાત થતાં ( USED CLOTHS)ની ગાંસડીના સોર્ટિંગ વખતે આ ઘટના બની જો કે, હેન્ડ ગ્રેનેડ માત્ર ખાલી ખોખું નિકળ્યું અને અંદર કોઈ વિસ્ફોટક કે દારૂગોળો નહીં હોવાનું તપાસ દરમિયાન જણાતા સુરક્ષા એજન્સીઓને હાશકારો થયો હતો.
ગાંધીધામ પોલીસ મથક બી ડિવિઝનના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સાથે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ તથા ફોરેન્સિક સાયન્સ લેબના એક્સપર્ટસને જાણ કરી સ્થળ પર તત્કાળ બોલાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, અમેરિકાથી મુંદ્રા પોર્ટ આવેલા વરાયેલા કપડાંના જથ્થા ના કન્ટેનરમાં આવેલી ગાંસડીમાંથી હેન્ડ ગ્રેનેડનું ખાલી ખોખું નીકળ્યું હતું. કાસેઝના ફ્લેક્સ એપરલ્સ નામના એકમમાં આ ગાંસડી આવી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકન આર્મી તેનો ઉપયોગ કરતી હતી અને તે MK-2 પાઈનેપલ હેન્ડ ગ્રેનેડ તરીકે ઓળખાય છે.
કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં યુઝ્ડ ક્લોથના 20થી વધુ એકમ ધમધમે છે. યુઝ્ડ ક્લોથના કન્ટેઈનર સેઝમાં આવે ત્યારે માલનું સોર્ટીંગ કરતી વખતે ઘણો માલ સિક્યોરીટીને ફોડીને પાછલાં બારણેથી ડોમેસ્ટિક માર્કેટમાં ઘૂસાડી દેવાય છે. કન્ટેઈનરો ખૂલે ત્યારે તેમાંથી ઘણીવાર કિંમતી ચીજવસ્તુઓ સાથે જોખમી પદાર્થો પણ નીકળતાં હોય છે. આ ઘટનાઓએ ફરી એકવાર વિદેશથી આયાત થતાં કન્ટેઈનરોનું યોગ્ય રીતે સ્કેનીંગ થતું નથી તે સાબિત કર્યું છે.