કચ્છમાં ઠંડી પાછી ફરી: ઠંડા પ્રદેશ તરીકે નલિયાનું સ્થાન યથાવત…
ભુજ: બે-ત્રણ દિવસ અગાઉ કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા તેમ જ ભુજ, ગાંધીધામ અને કંડલામાં મહત્તમ તાપમાનનો પારો ઊંચકાતાં લગભગ ગાયબ થયેલી ઠંડી ધીરે-ધીરે પાછી ફરી રહી હોય તેમ સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છમાં લઘુતમ તાપમાનનો આંક નીચે ઉતર્યો છ. હાલ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં આજે લઘુતમ તાપમાનનો આંક 8.4 ડિગ્રી સે. પર પહોંચી જતાં નલિયા રાજ્યના સૌથી વધુ ઠંડા મથક તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. રાજ્યમાં કચ્છમાં સૌથી ઠંડા પ્રદેશ તરીકે નલિયાનું સ્થાન યથાવત રહ્યું છે.
Also read : બજેટમાંથી ગુજરાત માટે શું જાહેરાતો કરવામાં આવી?
ભુજમાં લઘુતમ તાપમાનનો આંક 14 ડિગ્રી
નલિયા ઉપરાંત ભુજમાં સ્વચ્છ આકાશ અને વેગીલા વાયરાઓ વચ્ચે લઘુતમ તાપમાનનો આંક 14 ડિગ્રી પર પહોંચી જતાં અહીં વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ રસ્તાઓ પર લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારે અને મોડી સાંજે ધૂંધળો માહોલ છવાયો છે અને 29થી 32 ડિગ્રી સે. જેટલો ઊંચો રહેલો મહત્તમ પારો પણ ગગડીને 26થી 28 ડિગ્રી વચ્ચે પહોંચી જતાં બપોરના સમયે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
Also read : અંજારમાં છ વર્ષની બાળકી પર દીવાલ પડતા થયું મોત
લઘુતમ તાપમાન ઘટવાની આગાહી
હવામાન વિભાગે આ પ્રકારનું વાતાવરણ અનુભવાયા બાદ લઘુતમ પારો બેથી ત્રણ ડિગ્રી ગગડશે તેવી આગાહી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વીય મોસમી પવનો સાથે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને કેદારનાથ તરફથી આવતા બર્ફીલા પવનો સાથે ભળી જતાં અત્યારે આવું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.