
ભુજઃ ગુજરાતમાં ઘણા સમયથી બેઋતુ ચાલી રહી છે. સવારે થોડી ઠંડી અને મોડી રાત્રે ઠંડક રહે છે અને આખો દિવસ ગરમીનો માહોલ રહે છે. જોકે આજે ફરી જાણે ઠંડીનો ચમકારો વર્તાયો છે. હીમવર્ષાને લીધે ગુજરાતભરમાં સવારે ઠંડીનો અનુભવ થયો હતો ત્યારે કચ્છમાં તો સ્વેટર પહેરીને નીકળવું પડે તેવી ઠંડી હતી.
Also read : World Obesity Day: જાણો… ગુજરાતના લોકોમાં કેટલું છે મેદસ્વિતાનું પ્રમાણ
મોસમ જાણે એક ફેશન શૉ માં પરિવર્તન થવા પામી હોય તેમ ઉતરાર્ધ ભણી ગતિ કરી રહેલો આ વખતનો યાદગાર શિયાળો વસંત ઋતુ ચાલતી હોવા છતાં પોતાની હાજરી રાજ્યની સાથે કચ્છમાં પણ પૂરાવી રહ્યો હોય તેમ અબડાસા તાલુકાના શીતમથક નલિયા ખાતે લઘુતમ તાપમાનનો આંક શેરબજારના સેન્સેક્સની જેમ ગગડીને ૬.૪.ડિગ્રી સે. નોંધવાની સાથે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ઠર્યું હતું, જયારે કિલ્લેબંધ શહેર ભુજમાં ૧૪ ડિગ્રી જેટલું નીચું અને ૩૫ ડિગ્રી ઉંચુ તાપમાન નોંધાતા લોકોને ફરી ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી છે.
રણપ્રદેશમાં રાત અને દિવસનાં તાપમાનમાં આવી રહેલા નોંધપાત્ર તફાવતને કારણે તાવ,શરદી-ઉધરસ જેવી વ્યાપક ફરિયાદો જોવા મળી રહી છે. પાલતુ પ્રાણીઓમાં પણ અત્યારે ચાલી રહેલા ઋતુ સંધીકાળને કારણે ઝાડા-ઉલટી,ધ્રુજારી જેવી તકલીફોનું પ્રમાણ વધ્યું છે.
કચ્છના મોટાભાગના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિષમ વાતાવરણ જોવા મળી રહ્યું છે જે આગામી હોળી સુધી યથાવત રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.
Also read : ફાગણ મહિને કચ્છમાં ગુલાબી વાતાવરણ: ભુજ-નલિયામાં હિલ સ્ટેશનનો અહેસાસ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પહાડી રાજ્યોમાં થયેલી ભારે બરફવર્ષાના પગલે સમગ્ર ઉત્તર ભારતમાં ગાયબ થઇ ગયેલી ઠંડી પાછી ફરી છે. આ ઠંડીની અસર ઓસર્યા બાદ કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઇ જશે તેમ હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.