કચ્છ

કચ્છમાં દેખો ત્યાં ‘ઠાર’: નલિયામાં ફરી સિંગલ ડિજિટમાં નોંધાયું તાપમાન

(અમારા પ્રતિનિધિ તરફથી)

કચ્છઃ નાતાલ પર્વ નજીક છે ત્યારે રણપ્રદેશ કચ્છમાં વ્હાઇટ ક્રિસમસનો માહોલ અત્યારથી જ જામ્યો હોય તેમ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ફરી સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાયું હતું. નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૯.૮ ડિગ્રી થઈ ગયું હતું.

નલિયામાં શિયાળો બતાવી રહ્યો છે અસલી મિજાજ

કચ્છના કાશ્મીર તરીકે ઓળખાતા નલિયામાં શિયાળાએ અસલી મિજાજ દર્શાવાનું શરૂ કરતાં લઘુતમ તાપમાન સિંગલ ડિજિટ પર રહેતાં તીવ્ર ઠારથી જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી. વહેલી સવારે લોકો ઠેર ઠેર તાપણાં કરતા જોવા મળ્યા હતા. વહેલી સવારની પાળીમાં નિશાળે જતાં ભૂલકાં ટાઢથી ઠઠરી ઊઠ્યા હતા.

દિવસનું ઉષ્ણતામાન પણ આંશિક ઘટીને ૨૯ ડિગ્રી પર રહેતાં ભર બપોરે પણ ટાઢક અનુભવાઇ હતી. ઠંડીના આ મોજાને પગલે સૂર્યાસ્ત થતાં જ બજારોમાં ચહલપહલ ઘટી રહી છે. ગાંધીધામ અને અંજાર સહિતના વિસ્તારોમાં શિયાળો પક્કડ જમાવતો જણાયો હતો. જિલ્લા મથક ભુજમાં દિવસભર દક્ષિણ અને ઉત્તર દિશાએથી વાતા ઠંડાગાર હિમપવનો ફૂંકાઈ રહ્યા છે જેને પગલે જનજીવનને વ્યાપક અસર થવા પામી છે.

કચ્છમાં ફરી વળશે ઠંડીનું તીવ્ર મોજું

ભુજમાં લઘુતમ તાપમાનનો સત્તાવાર આંક ૧૪ ડિગ્રી રહ્યો છે,જયારે લોકોના સ્માર્ટફોનમાંના વેધર એપ્લિકેશનમાં ૧૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડિસેમ્બર મહિનો અડધો વીતવા આવ્યો છે તેવામાં હવામાન વિભાગ દ્વારા કચ્છમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળશે તેવો વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે.

દરમ્યાન,કચ્છ પર ફરી વળેલા ઠંડીના મોજાંને કારણે ધોરડો ખાતે રણોત્સવ માણવા આવેલા સહેલાણીઓ ખુલ્લા શ્વેત રણમાં પડી રહેલી કાતિલ ઠંડીના મારથી મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાનું મુંબઈથી પોતાના વતન ફરવા આવેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…રાજ્યમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી, જાણો દેશમાં કેવું રહશે હવામાન

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button