
ગાંધીનગર: કચ્છીઓના નુતન વર્ષ સમા અષાઢી બીજ પર જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બે દિવસીય કચ્છના પ્રવાસે છે. જિલ્લાના પ્રથમ સરહદી ગામ કુરનથી રાજ્યકક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવવા સહિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થવા અને કુરન ખાતે આયોજિત વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તા. ૨૭ અને ૨૮ જૂન એમ બે દિવસ કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તા. ૨૭ જૂનના રોજ સાંજે ૬.૦૦ કલાકે ભુજના હમીરસર તળાવના કાંઠે આયોજિત સાંસદ કાર્નિવલને ખુલ્લો મૂકીને તેનો શુભારંભ કરાવશે. ત્યારબાદ મુખ્ય પ્રધાન કુરન ગામ ખાતે રાત્રિરોકાણ કરશે. તા. ૨૮ જૂનના રોજ સવારે ૯.૦૦ કલાકે કુરન ખાતેની શાળામાં રાજ્યકક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી બનશે અને બાળકોને પ્રવેશ અપાવશે. ત્યારબાદ કુરન ચેકડેમની મુલાકાત લઈને વૃક્ષારોપણ કરશે. બાદમાં સવારે ૧૦.૦૦ કલાકે મુખ્યમંત્રીશ્રી કુરન હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં અંદાજે રૂ. ૧૦૭ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી ખાતમૂહુર્ત અને લોકાર્પણના કામોની કચ્છના નાગરિકોને ભેટ આપશે.
ત્યારબાદ તેઓ સવારે ૧૧.૦૦ ખાવડા સરહદી વિસ્તારમાં ચાલી રહેલી વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કની મુલાકાત લેશે. બાદમાં મુખ્ય પ્રધાન ભુજ પહોચીને આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રાષ્ટ્રીયકક્ષાની નેશનલ હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ બાદ મુખ્ય પ્રધાન બપોરના ૩.૦૦ કલાકે ભુજમાં સિંદૂર વન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બનશે.