
ભુજ: પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા ખાતે મિથેનોલ કેમિકલ ખાલી કરીને પરત જઈ રહેલાં માલવાહક જહાજમાં તુણા ઓટીબી પાસે અચાનક બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી અને આ વિશાળ જહાજ એક તરફ નમી જતાં પોર્ટ પ્રશાશનમાં ભારે દોડધામ થઇ પડી હતી. સદ્ભાગ્યે આ બનાવમાં જાનહાનિ ટળી જતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
કંડલા બંદરની વ્યસ્ત જેટી નં.૨ ઉપર ગઈકાલે હોંગકોંગનું એમ.ટી. ફુલદા નામનું માલવાહક જહાજ લંગારાયું હતું. મિથેનોલ ખાલી કરીને આ જહાજ ઓમાનના સોહાર પોર્ટ તરફ રવાના થયું હતું, આ દરમ્યાન ઢળતી બપોરના અરસામાં તુણા ઓ.ટી.બી. પાસે જ્યારે તે પહોંચ્યું ત્યારે આ જહાજની આગળના ભાગમાં એટલે કે સંભવિત બોઇલર રૂમમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ તે એક બાજુ નમી ગયું હતું. એસોએસ મળતાં એક્શન મોડમાં આવી ગયેલી મેરીટાઈમ રિસપોન્સ કો-ઓર્ડિનેશન સેન્ટર તથા કોસ્ટગાર્ડ સહિતની ટુકડીઓએ હાથ ધરેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશનમાં સળગતા જહાજમાં ફસાઈ ગયેલા ૨૧ જેટલા ક્રૂ સભ્યોને સલામત રીતે ઉગારી લીધા હતા.
આગામી દિવસોમાં જહાજના સર્વે સહિતની કામગીરી આરંભાશે તેમ કંડલા બંદરના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં વર્ષો અગાઉ કંડલાના દરિયાઈ વિસ્તારમાં જેનેશ ઓઈલ ટેન્કરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતાં એ જહાજ બળીને ખાખ થયું હતું. આ ઉપરાંત તાજેતરમાં જ કંડલાથી ઓમાન જઈ રહેલા જહાજની કપ્તાનની કેબિનમાં આગ ભભૂકી ઊઠી હતી, જેમાં ભારતીય નૌકાદળની ટુકડી એ હેલિકોપ્ટર અને અગ્નિશમનની સામગ્રી લઈને સફળ બચાવ કામગીરી પાર પાડીને તમામ ખલાસીઓને બચાવી લેવાયા હતા.