કચ્છ

પાકિસ્તાનનાં હુમલાથી સરહદ પર સંભવિત ખતરાને ધ્યાને લઈ; કચ્છ-બનાસકાંઠામાં બ્લેકઆઉટ…

ભુજ: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતનાં અનેક સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા હતા, જેનો સેનાએ જડબાતોડ જવાબ આપતા નિષ્ફળ બનાવ્યો હતો. આજે રાત્રે સરહદ પારથી કાશ્મીરમાં ફરી એકવાર હુમલો થયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે જમ્મુ એરપોર્ટને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાથી સરહદી વિસ્તારમાં કચ્છ-ભુજમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.

ભુજમાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટ
અત્યાર સુધીની મળતી વિગતો અનુસાર, આજે રાત્રે પાકિસ્તાન તરફથી સરહદ પારથી જમ્મુ એરપોર્ટ પર મિસાઈલ અથવા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાએ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને વધુ વેગ આપ્યો છે.દરમિયાન, કચ્છના ભુજમાં તેમજ નલિયા અને નખત્રાણામાં પણ સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત બનાસકાંઠાનાં સૂઈગામ સહિતનાં સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ જાહેર કરવામા આવ્યું હોવાનો અહેવાલ છે.

ઘરની બહાર ન નીકળવાની સૂચના
બોર્ડર નજીકના ગામડાઓમાં રહેતા લોકોને સલામતી માટે જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અને સુરક્ષા દળોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. જમ્મુ એરપોર્ટ પર થયેલા હુમલા અને કચ્છ-ભુજમાં બ્લેકઆઉટને પગલે સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. ભારત સરકાર આ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button