યેલ્લો એલર્ટની અસર આજથી જઃ કચ્છ-ભુજ હોલિકાદહન પહેલા જ શેકાયું

ભુજઃ કાળઝાળ ઉનાળાની ગરમીની આ વર્ષે પ્રમાણમાં વહેલી શરૂઆત થઈ ચૂકી છે તે વચ્ચે રણપ્રદેશ કચ્છના ભુજ સહિત રાજ્યના મોટાભાગના મથકોમાં મહત્તમ તાપમાનનો પારો ૩૯ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. દિવસનું મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી અને રાત્રિનું લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે અને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આગામી હોળી-ધુળેટી પર્વના શરૂ થઇ ચૂકેલા કાઉન્ટડાઉન વચ્ચે ચામડી દઝાડતી ગરમીના સંકેતો મળતા હવામાન ખાતાએ પાંચ દિવસ પૂરતું યલો એલર્ટ પણ જાહેર કરવાની સાથે-સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણથી પાંચ દિવસ હીટવેવની કપરી પરિસ્થિતિ સર્જાય તેવી આગાહી સાથે ખાસ માર્ગદર્શિકા પણ મોસમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે.
કચ્છના મુખ્ય મથક ભુજનું તાપમાન આજે મહત્તમ ૩૯ ડિગ્રી અને લઘુતમ ૨૭ ડિગ્રીએ પહોંચી જતાં બપોર બાદ સ્વયંભૂ કર્ફ્યુ જેમ રસ્તાઓ સુમસામ બન્યા હતા અને રાજ્યના સૌથી ગરમ શહેરમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું.
આ પણ વાંચો…રવિવાર બન્યો રક્તરંજિત, બે સ્પોર્ટ્સ બાઇક સામ સામે અથડાતાં 4 યુવકોનાં મોત
બીજી તરફ, કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રીએ સ્થિર થતાં આ ઔદ્યોગિક સંકુલને આગ ઝરતી ગરમીમાંથી આંશિક રાહત થવા પામી હતી. જિલ્લાનાં અન્ય મથકોમાં નોંધાયેલા તાપમાન પ્રમાણે કંડલા એરપોર્ટમાં લઘુતમ ૨૪.૨ અને મહત્તમ ૩૫.૬ ડિગ્રી,કંડલા પોર્ટમાં ૨૫ અને ૩૬ ડિગ્રી તેમજ અબડાસાના નલિયામાં ૨૩ તથા ૩૬ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
અત્યારની ગરમીની કપરી સ્થિતિમાં નાના બાળકો, વરિષ્ઠ નાગરિકો, તેમજ દર્દીઓએ તબિયતની ખાસ સંભાળ રાખવાનું તબીબો જણાવી રહ્યા છે.