ભુજ

દીકરીના પ્રેમીના પિતાને મારી નાખનાર મહિલાઓએ તલાટીને એસિડ ફેંકવાની આપી ધમકી

ભુજઃ પરિવારની મરજી વિરુધ્ધ દીકરીએ ગામના યુવક જોડે ભાગીને પ્રેમલગ્ન કરી લેતાં ખૂન્નસે ભરાયેલા કચ્છના માંડવીના બિદડા ગામના સંઘાર પરિવારની મહિલાઓએ યુવકના વૃદ્ધ પિતા પર સરાજાહેર ધોકાથી હુમલો કરી હત્યા કરી નાખી હોવા ઉપરાંત આ પરિવારે મૃતક લધાભાઈની સગી ભાણજી અને નખત્રાણાના મંગવાણા ગામની મહિલા તલાટીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતાં તલાટીએ રક્ષણ આપવા પોલીસ સમક્ષ રજૂઆત કરી છે.

વેરની આગમાં સળગતાં સ્વજનોથી ડરી ગયેલી પ્રેમલગ્ન કરનાર યુવતીએ રેન્જ આઈજી, પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓને પત્ર પાઠવી પોતે હાલ મુંબઈ હોવાનું અને કચ્છ આવી રહી હોવાનું જણાવી રક્ષણ આપવા રજૂઆત કરી છે.
મંગવાણા જૂથ ગ્રામ પંચાયતમાં મહિલા તલાટી તરીકે ફરજ બજાવતી અને ભુજમાં રહેતી ૩૬ વર્ષિય ભૂમિકા મધુસુદન છાટબારે પોલીસ અધિકારીઓને પોતાને રક્ષણ આપવા કરેલી અરજીમાં જણાવ્યું છે કે, બિદડાના વીરમ બુધિયા સાકરીયા (સંઘાર)ની પુત્રી હેત્વીએ પોતાના મામા લધાભાઈના પુત્ર રાજેશ જોડે ભાગીને પ્રેમલગ્ન કર્યા હોવાના પ્રકરણમાં પોતે મદદગારી કરી હોવાનો વહેમ રાખીને વિરમ સાકરીયા અને ખુશાલ કાનજી ચંદ્રોગા (સંઘાર)એ એસિડથી હુમલો કરી કે કરાવી કોઈપણ ભોગે જાનથી મારી દેવાની ધમકી આપી છે. ભવિષ્યમાં કંઈપણ થાય તો વિરમ અને ખુશાલને જ જવાબદાર ગણવા રજૂઆત કરી છે.

લગ્ન કરનાર યુવતીએ પણ માગ્યુ પોલીસ પ્રોટેક્શન
બીજી તરફ, પોતાના સસરા લધાભાઈને જાહેરમાં લઠ વડે ફટકારીને મોતને ઘાટ ઉતારી દેવાતાં ડરી ગયેલી પુત્રવધુ હેત્વીએ પણ કચ્છના પોલીસ તંત્રને પોતાનું રક્ષણ કરવાની આજીજી કરતો પત્ર પાઠવ્યો છે.

હેત્વીએ જણાવ્યું છે કે તેણે ગત ૪ જાન્યુઆરીના રોજ નખત્રાણાના દેશલપર ગુંતલી ગામના મહાદેવ મંદિરમાં રાજીખુશીથી રાજેશ લધાભાઈ સંઘાર જોડે લગ્ન કર્યાં હતાં. માતા પિતા રાજેશને પોતાના પતિ તરીકે સ્વીકારવા તૈયાર ના હોઈ ૮ ફેબ્રુઆરીએ તે સ્વેચ્છાએ પહેરેલાં કપડે પિયર છોડીને પતિ રાજેશ જોડે મુંબઈ રહેવા આવી ગઈ છે.

માતા પિતાએ આ અંગે કોડાય પોલીસ મથકે ગુમનોંધ લખાવેલી તે અન્વયે પોતે ગણદેવી બોરીયાસ પોલીસ મથકે કોડાય પોલીસની હાજરીમાં સ્વેચ્છાએ રાજીખુશીથી રાજેશ સાથે લગ્ન કર્યાં હોવાનું અને રાજેશ સાથે જ રહેવા ઈચ્છતી હોવાનું નિવેદન લખાવતાં પોલીસે તેને રાજેશ સાથે જવા દીધી હતી. માતા પિતા સહિતના ૧૧ પરિવાજનોના નામજોગ આપેલી અરજીમાં હેત્વીએ તેઓ પોતાને અને પતિને મારી નાખવાની વખતોવખત ધમકીઓ આપવા સાથે સંબંધિત પોલીસ સ્ટેશન અને એસપી કચેરીમાં વારેવારે અરજીઓ આપી રહ્યાં છે.

આ પણ વાંચો:  મેમો નહિ ભરો તો લાઇસન્સ થશે રદ્દ; સરકાર કરી રહી છે નવા નિયમોની તૈયારી

હેત્વીએ અરજીમાં પોલીસની ભૂમિકા સામે કર્યા સવાલો
દરમ્યાન, કોડાય પોલીસ આરોપીઓ સાથે ભળેલી હોવાનો ગંભીર આરોપ કરતાં હેત્વીએ અરજીમાં જણાવ્યું છે કે અગાઉ મારા સસરા લધાભાઈએ કોડાય પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી પરંતુ પોલીસે સૂચક રીતે જ કોઈ પગલાં ના ભર્યાં અને આરોપીઓએ તેમના પર ખૂની હુમલો કર્યો. પોલીસ આરોપીઓ સાથે ભળી ગયેલી હોવાનું, તેમને છાવરી રહી હોવાનો આરોપ કરીને હેત્વીએ પોતે હાલ મુંબઈથી ભુજ આવી રહી હોવાનું જણાવીને, તેઓ કોઈપણ ભોગે પોતાના અને પતિ પર ખૂની હુમલો કરશે તેવી દહેશત દર્શાવી પોલીસ રક્ષણ આપવા રજૂઆત કરી છે.

રાજકીય વગ ધરાવતા બિદડાના પરિવારથી પોલીસ પોતાનું અને સાસરીયા પક્ષનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય તો એસપી કચેરીએ આત્મવિલોપન કરી લેવાની તેને ફરજ પડશે જેની જવાબદારી કોડાય પોલીસ અને એસપીની રહેશે તેમ હેત્વીએ અરજીમાં જણાવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button