ભુજઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડતી ટ્રેન મારફતે સરહદી કચ્છમાં શરાબ સહિતના માદક પદાર્થો ઘુસાડવાની પ્રવૃત્તિ ફરી એકવાર બહાર આવતાં ચકચાર જાગી છે. આ અંગે કચ્છ યુવક સંઘના કાર્યકરો પૈકીના પરેશ છેડાએ જણાવ્યું હતું કે, ગત ૨૩મી જાન્યુઆરીના રોજ મુંબઈના દાદર રેલવે સ્ટેશનેથી ભુજ આવવા રવાના થયેલી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન(૨૦૯૦૭)ના એસ-૪/૫/૬ નંબરોના કોચમાં કમરમાં શરાબની બાટલીઓના બાચકાં બાંધીને પ્રવાસ કરતી ૧૫ મહિલાઓને જાગૃત પ્રવાસીઓએ પકડી પાડી હતી. હોબાળો થતાં કેટલીક મહિલાઓ બાથરૂમને અંદરથી બંધ કરી અંદર છુપાઈ ગઈ હતી. એસ-૬માં સવાર તેજલ પટેલ નામના મુસાફરે આ અંગે કચ્છ પ્રવાસી સંઘનો સંપર્ક કરી, દારૂની ખેપ અંગે માહિતગાર કરતાં આ સંસ્થા દ્વારા તાત્કાલિક રેલવે પોલીસ ફોર્સનો સંપર્ક સાધ્યો હતો. સુરત સ્ટેશન પહોંચતા પહેલા ટ્રેન ધીમી પડતાં આ દારૂની ખેપ મારવામાં હોશિયાર મહિલાઓ ચાલુ ટ્રેનમાંથી મુદામાલ સમેત કૂદકો મારીને નાસી છૂટી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી સૌરાષ્ટ્ર-કચ્છમાં શરાબ, ડ્રગ્સ સહિતના માદક પદાર્થો ઘુસાડવાનું કારસ્તાન અનેક વખત સપાટી પર આવી ચૂક્યું છે. તાજેતરમાં કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાંથી પણ ઝોલામાં દારૂની ૧૦૦-૧૦૦ બોટલો રાખી પ્રવાસ કરનારી બે-ત્રણ મહિલાઓ જાગૃત પ્રવાસીઓએ પકડી પાડી હતી, એ અગાઉ ગત વર્ષે જાન્યુઆરી માસમાં વલસાડ પાસેથી કચ્છ એક્સપ્રેસના કોચમાં ચડેલી મહિલાઓ અને દિવ્યાંગ યુવક પાસેથી ૩૦૦ બોટલ દારૂ મળી આવ્યો હતો.
કચ્છ એક્સપ્રેસની પરિસ્થિતિ એવી બની છે કે તેના ટોયલેટના ફ્લશને બંધ કરીને તેમાં તૂટેલી દારૂની બાટલીઓ વેરાયેલી જોઈને ઉતારૂં મહિલાઓ ટોયલેટમાં જતાં ડરી રહી છે. આ અંગે યોગ્ય તપાસ કરવાની માંગ કચ્છ પ્રવાસી સંઘ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો…વડોદરાની જાણીતી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયું
ટ્રેન મારફતે પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાને અડકીને આવેલા આ સરહદી જિલ્લામાં માદક પદાર્થોની ખુલ્લેઆમ થઇ રહેલી આવી હેરાફેરીમાં ચા-પાણી નાસ્તો વેચતા ફેરિયા, રેલવે તંત્ર સાથે સંકળાયેલા કેટલાક કર્મીઓ પણ ખેપ મારવા આવતી મહિલાઓ સાથે જોડાયેલા હોવાનો ગંભીર આક્ષેપ રોષે ભરાયેલા મુસાફરોએ કર્યો હતો.