ભુજ

પ્લેનમાં બેસવાની ઘેલછા અને આંધળા પ્રેમે મહિલાને છેતરીઃ આંખો ખોલતો કચ્છનો કિસ્સો

ભુજઃ છેલ્લા ઘણા સમયથી સુખ સુવિધાવાળું જીવન જીવવાની માણસની લાલસા વધતી જાય છે. પ્રામાણિકતા અને સાદગીના મૂલ્યો હવે આચરણમાં મૂકવા સહેલા રહ્યા નથી અને તેમાં પણ સોશિયલ મીડિયામાં પૈસાદારોના રંગીન જીવનને જોઈ સ્વાભાવિક રીતે ગરીબી વધારે અકળામણી લાગે છે. આવી જ એક બે સંતાનની માતા સોશિયલ મીડિયા ઠગની જાળમાં ફસાઈ પૈસા તો ગુમાવ્યા, પરંતુ લગ્નજીવન પણ બરબાદ કર્યું હતું, જોકે અભયમ પોલીસ ટીમે તેની મદદ કરતા મહિલા અને સંતાનો રઝળતા અટકી ગયા હતા.

શું છે ઘટના?

ગત ૮મી જુલાઈ, ૨૦૨૫ના રોજ રાતના સમયે એક મહિલા તેના બે નાનાં બાળકો સાથે રસ્તા ઉપર બેઠી હોવાની માહિતી ૧૮૧ અભયમ સંસ્થાને મળતાંની સાથે જ કાઉન્સેલર બારડ નિરૂપા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઠાકોર ચંદ્રિકાબેન આ મહિલાની મદદે દોડી ગયા હતા. પૂછપરછ કરતા મહિલાએ પોતાનું વતન ઉત્તરપ્રદેશ હોવાનું જણાવ્યું અને હાલ તેના પતિ સાથે કચ્છના ગાંધીધામ નજીક એક કંપનીમાં મજૂરી કામ કરી રહેવાનું જણાવ્યું હતુ. પીડિતાએ કહ્યું તેના પતિ સાથે તેણે પ્રેમલગ્ન કર્યા હતા અને તેને બે સંતાન છે.

તાજેતરમાં આ મહિલા ફેસબુક દ્વારા એક આકર્ષક દેખાવના પુરુષના સંપર્કમાં આવી હતી. આ યુવકે પોતાને લંડનનો રહેવાસી અને મધ્યપ્રદેશમાં મોટો બિઝનેસ ધરાવતા હોવાનું જણાવી, મહિલાને પોતાના બાળકો સાથે રાખી લગ્ન કરવાની લાલચ આપી હતી. નવાઈની વાત એ હતી કે, એ કહેવાતા લંડનવાસીએ આ ભોળવયેલી મહિલાને પોતાનો વીડિયો કોલ, ફોટો ઉપલબ્ધ કરાવ્યા ન હતા. માત્ર મેસેન્જર વડે વાતચીત કરતો રહેતો હતો.

આ લંડનવાસીએ ગરીબ મહિલાને એવું જણાવ્યું કે, તે તેને પોતાની સાથે તેડી જવા માટે વિમાનમાં આવી રહ્યો છે અને તેની માતા-પિતાએ ૧.૫ લાખ રૂપિયાનો સામાન મોકલ્યો છે. પણ એરપોર્ટ પર તેને પોલીસએ પકડી લીધો છે અને મુક્ત થવા ૯૦૦૦ રૂપિયાની જરૂર છે. પ્રેમમાં અંધ બનેલી મહિલાએ પોતાના પતિનો સ્માર્ટફોન ચોરીને તેને માત્ર ૩૦૦૦ રૂપિયામાં વેચી નાખ્યો અને તે પૈસા એ અજ્ઞાત પુરુષને ઓનલાઇન ટ્રાન્સફર પણ કરી દીધા હતા!.

૧૮૧ ટીમે એ અજ્ઞાત શખ્સ સાથે વાત કરવાની કોશિશ કરી ત્યારે ખબર પડી કે તે વારંવાર અન્ય નંબર પરથી કોલ કરાવે છે, પોતાનું સ્થાન સ્પષ્ટ નથી બતાવતું, અને કયાં એરપોર્ટ પર છે એ પણ કહેતું નથી. ટીમે ટેક્નોલોજી દ્વારા ચેક કરતાં જાણવા મળ્યું કે તેનો નંબર વિદેશી છે. મહિલા કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન દ્વારા વધારે કાઉન્સેલિંગ કરતા મહિલાએ પતિ સાથે જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરતાં પતિનો સંપર્ક કર્યો હતો.

આ છેતરાયેલી મહિલાએ અભયમને રડતા રડતાં જણાવ્યું કે, મારું વિમાનમાં બેસવાનું સપનું હતું, પણ પતિ મજૂરી કરે છે તેથી પૈસા નથી. એટલે લાલચમાં આવી ઘરેથી નીકળી ગઈ હતી. કોણ પણ નિરાધાર મહિલાને ક્યાંય પણ જોતાં તુરંત ૧૮૧ નંબર ઉપર અભ્યમને જાણ કરાય તેવી અપીલ ચંદ્રિકાબેન દ્વારા કરાઇ હતી.

આ પણ વાંચો…બૉયફ્રેન્ડ પરના કાળાજાદુને નાથવાના ચક્કરમાં યુવતીએ રૂપિયા ગુમાવ્યા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button