ટોપ ન્યૂઝભુજ

કચ્છ સીમાને લશ્કરને હવાલે કરાશે? સરહદી ગામોમાં વધી લશ્કરી હલચલ

ભુજઃ જમ્મુ-કાશ્મીરના પહેલગાંવમાં પર્યટકો પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓના હુમલા બાદ, ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિ અને જળ સરહદે ભારે તંગદિલી પ્રવર્તી રહી છે અને રણપ્રદેશ કચ્છના સીમાડાના ગામોમાં સેનાના વાહનોની અવર-જવર વધી રહી છે જેને લઈને લોકો લગભગ સ્પષ્ટપણે માની રહ્યા છે કે, આ વખતે એક ખાસ વિસ્તારમાં યુદ્ધ થઇ શકે છે અને જે રીતે ઝડપભેર પરિસ્થિતિ બદલી રહી છે તે જોતાં આ ખાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર અને રાજ્યના પશ્ચિમી વિસ્તારને પખાળતા અરબી સમુદ્રનો સમાવેશ થાય છે, અને આ ધારણા મુજબ અરબ સાગરમાં અત્યારથી જ જાણે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને તેથી જ તો ભારતીય નૌ સેનાના નવનિર્મિત યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંતને કચ્છની જળ સીમાના દરિયામાં મોકલી દેવાયું છે. આ આઈએનએસ વિક્રાંતમાં મિગ-૨૯ વિમાનો અને અનેક હેલીકૉપટર પણ તૈનાત છે. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન બંને દ્વારા સરફેસ ટૂ સરફેસ મિસાઈલ્સના પરીક્ષણ કરાયાં છે. પાકિસ્તાને તેના એરોસ્પેસ પરથી, ભારતમાં પંજીકૃત થયેલાં વિમાનો કે લીઝ પર ચલાવાતા વિમાનોના ઉડ્યન પર રોક લગાવી છે અને તેના એરોસ્પેસ પર રોક લગાવતાં કચ્છના આકાશ પરથી ઉડ્યન ભરી રહેલાં સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય ઉડ્યનોના માર્ગ બદલાવી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં એફ.આઈ.આર કરાંચી અને એફ.આઈ.આર લાહોર તેમજ બલુચિસ્તાન અને ખૈબર વિસ્તારમાં ત્રણ જુદા-જુદા એરોસ્પેસ છે. કચ્છની સીમાને લાગે વળગે છે ત્યાં સુધી એફ.આઈ.આર કરાંચીનો હવાઇ માર્ગ ઉત્તર અમેરિકા, યુ.કે, યુરોપ, મધ્ય અને પશ્ચિમ એશિયાના દેશો તરફ, આંતરરાષ્ટ્રીય ઉડ્યનો માટે કરવામાં આવે છે. એરોસ્પેશ એફ.આઈ.આર કરાંચીની ઉત્તરે લાહોર, પૂર્વમાં દિલ્હી, દક્ષિણમાં મસ્ક્ત અને પશ્ચિમમાં તહેરાનના એરોસ્પેસ આવેલાં છે. અખાતી દેશો તરફ જતા મોટાભાગના વિમાનો આ રુટ પરથી પસાર થાય છે તેને લઈને ભારતીય વિમાની કંપનીઓએ આ હવાઈ માર્ગ પરના ઉડ્યનોને અન્ય માર્ગે વાળી દીધા છે.

આ માર્ગ પરથી દિલ્હી, અમૃતસર, જયપુર, લખનૌ અને વારાણસી જેવાં ભારતીય શહેરો તેમજ ઓમાન, મસ્ક્ત, દુબઇ, તહેરાન,શારજાહ,બેંગકોક જેવા શહેરોથી ભારત તરફ આવતી આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ ઉડ્યન ભરે છે.

એક સૈન્ય પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ભારતીય હવાઈદળ દ્વારા જમ્મુ-કાશ્મીરના મધ્ય વિભાગના પહાડો અને ખીણો આસપાસ ‘ઓપરેશન આક્રમણ’ હેઠળ યુદ્ધ કવાયતો શરૂ કરી દેવાઈ છે. અંબાલા અને હાશીવાળાથી સુખોઇ વિમાનોને જમ્મુ-કાશ્મીર મોકલી દેવાયાં છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સી ‘રો’ દ્વારા ૪૨ જેટલા સ્થળોએ પાકિસ્તાને મિસાઈલ લોન્ચર ગોઠવ્યાં છે જ્યાં ૧૫૦ જેટલા ત્રાસવાદીઓ પણ પાકિસ્તાની સૈન્ય સાથે તાલમેલ જાળવીને રખાયા છે. આ તમામ સ્થળો પર એરસ્ટ્રાઇક કરીને લોન્ચરો અને ત્રાસવાદીઓનો ખાત્મો કરવા માટેનો તખ્તો ઘડાઈ ચુક્યો છે.

દરમ્યાન, યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંતને કચ્છના દરિયામાં ખડકી દેવા પાછળ કરાંચી બંદરની નાકાબંધી કરવાની પણ તૈયારીઓ શરૂ કરાઈ હોવાના અહેવાલો પણ બહાર આવ્યા છે.

બીજી તરફ, કચ્છના સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે ફુટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને હવે ગમે ત્યારે કચ્છ સરહદને સૈન્યના હવાલે કરી દેવામાં આવે તેવી પરિસ્થિતિ ઝડપભેર ઉભી થઇ રહી છે.

આપણ વાંચો:  પહેલગામ હુમલોઃ પ્રવાસીઓની સુરક્ષાને લઈ થયો મોટો ખુલાસો, શૈલેષ કળથિયાના પત્નીએ પણ કહી હતી આ વાત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button