પતિ નહીં પૈસો પરમેશ્વરઃ ભુજમાં પત્નીએ પૈસા માટે પતિને જીવતો સળગાવ્યો

ભુજઃ શહેરના સામત્રા ગામમાં ત્રણ પુત્રોના પિતા એવા ૬૦ વર્ષના વિધુર સાથે લગ્ન કરનારી ૪૦ વર્ષીય પત્નીએ પોતે ભુજમાં ખરીદેલા મકાનના રૂપિયા આપવાની ના પાડનારા પતિને જલદ પ્રવાહી ફેંકી જીવતો સળગાવી મોતને ઘાટ ઉતારી દેતાં કચ્છ સહીત બૃહદ કચ્છમાં ભારે ચકચાર પ્રસરી છે. આ ઘટનાએ મેરઠની મુસ્કાન અને ઈન્દોરની સોનમ રઘુવંશીના કેસની પણ યાદ અપાવી છે, જેમાં અન્ય કારણોસર પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સામત્રા ગામમાં રહેનારા મૃતક ધનજીભાઈ ઉર્ફે ખીમજીભાઈ વિશ્રામભાઇ કેરાઈના ત્રણ પુત્રો પૈકી બે સિસ્લ્સ અને લંડનમાં સ્થાયી થયેલા છે, એક પુત્ર સામત્રા ગામમાં અલગ રહે છે. ધનજીભાઈના પત્ની લક્ષ્મીબેન કેરાઇનું આજથી ચારેક વર્ષ અગાઉ નિધન થઇ ચૂક્યું હોઈ, એકલતાથી કંટાળીને તેઓએ દોઢેક વર્ષ અગાઉ પોતાનાથી વીસેક વર્ષ નાની ઉંમરની મહેસાણાના હીરપુર ગામની કૈલાસ કનુસિંહ ચૌહાણ નામની ૪૦ વર્ષીય મહિલા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. આ મહિલાને પ્રથમ લગ્નમાં સંતાન પ્રાપ્તિ ન થતાં છૂટાછેડા લીધા હતા અને એક મેરેજ બ્યુરો મારફતે સામત્રા ગામના ધનજીભાઈ સાથે બીજા લગ્ન કર્યાં હતા.
પતિને ગેરેજમાં લઈ ગઈ અને…
ધનજીભાઈના ઘરમાં આવતા જ તેમણે તેમની પ્રથમ પત્નીના દાગીના પોતાની પાસે રાખી લીધાં હતાં ધનજીભાઈ અવાર-નવાર તે દાગીના માગતા, પરંતુ તે ધરાર પરત ન આપીને માથાકૂટ કરતી રહેતી હતી. આ વચ્ચે તેણે અલગ રહેવા માટે પતિને પૂછ્યા વિના ભુજમાં એક મકાન ખરીદ્યુ હતું, જેના રૂપિયા ભરવા માટે પણ અવાર-નવાર મૃતક સાથે ઝઘડો કરી, પતિને જાનથી મારી નાખવાની ધમકી આપીને માનસિક ત્રાસ આપ્યા કરતી હતી. બીજી પત્નીના અમાનુષી ત્રાસ અંગે ધનજીભાઈએ પુત્રો અને સમાજના લોકોને પણ જાણકારી આપી હતી. આ દરમ્યાન ગત તા. ૧૧-૧૦ની મોડી સાંજના અરસામાં તેણીએ ભુજમાં ખરીદેલા મકાનના રૂપિયા ધનજીભાઈ પાસે માગ્યા હતા. જેની ચોખ્ખી ના પાડી દેતાં ગિન્નાયેલી પત્નીએ ધનજીભાઈનો હાથ પકડી, ઘરના આંગણામાં આવેલા ગેરેજમાં ઢસડીને લઈ ગઈ હતી અને કહ્યું કે, ‘રૂપિયા નહીં આપે તો જીવતો નહીં મૂકું’ અને ગેરેજમાં રાખેલી એક કેરોસીન ભરેલી બોટલને પતિ પર છાંટી, દીવાસળી ચાંપી ધનજીભાઈને જીવતા સળગાવી દઈને પોતે ગેરેજમાંથી બહાર નીકળી ગઈ હતી અને ગેરેજના દરવાજાને તાળું મારીને બંધ કરી દીધો હતો. ભડભડ સળગતા ધનજીભાઈની મરણચીસો સાંભળીને આસપાસના લોકો અને પાડોશમાં રહેતા તેમના પુત્રએ દોડી આવીને દરવાજાને તોડ્યો હતો અને સળગતા ધનજીભાઈ પર કપડું નાખી, આગ ઓલવીને ત્વરિત સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.
માનકુવા પોલીસને ગંભીર રીતે દાઝેલી હાલતમાં ધનજીભાઈ કેરાઈએ આપેલા નિવેદનમાં પત્ની સામે નોંધાવેલી ફરિયાદના આધારે પ્રથમ હત્યાના પ્રયાસ સબબની કલમો તળે ગુનો નોંધાયો હતો. આ દરમ્યાન ગત રવિવારની મોડી સાંજના અરસામાં સારવાર દરમ્યાન ધનજીભાઈએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં પલટાતાં આરોપી કૈલાસબેનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું માનકુવાના ઈન્ચાર્જ પી.આઈ પી.સી.ગોહિલે જણાવ્યું હતું.
આપણ વાંચો: ગુજરાતની ૨ ફાર્મા કંપનીનું કફ સિરપ ડ્રગ ટેસ્ટમાં ફેલ; ગુજરાત સરકારની ચેતવણી રાજસ્થાનમાં એલર્ટ