આ કારણે જખૌ બંદર પર શ્વાન અને ગલુડિયા એસટી બસની આતુરતાથી જુએ છે રાહ

ભુજઃ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ચ્છમાં પડી રહેલી ભારે ઠંડી વચ્ચે ખાલી પડેલા જખૌ બંદર અને તેની આસપાસના વિસ્તારમાં શ્વાનો ખોરાક વગર ટળવળી રહ્યાં છે. નવજાત ગલુડિયાઓના ટપોટપ મરવા લાગતાં આસપાસના ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારો શ્વાનોની મદદ માટે દોડ્યા હતા.ગલુડિયાઓનો ભોગ ‘પારવો’ નામનો રોગ લેતો હોવાનું જણાતાં આ શ્રમજીવી પરિવારોએ જખૌ જઈ, ગામમાં જખૌ બંદર વિસ્તારમાં થઇ રહેલી શ્વાનોની દુર્દશા અંગેની માહિતી આપી હતી. તેથી કેટલાક જીવદયા પ્રેમીઓએ તત્કાળ નલિયા પહોંચી, નલિયાના પશુચિકીત્સક ડો.સંતોષકુમાર ગોદારાને જાણ કરી હતી.
તેમણે ભુજના જાણીતા પશુ ચિકિત્સક ડો. જીગર ગુંસાઈ અને એક જીવદયા પ્રેમી ધવલભાઈ વરુનો સંપર્ક કરતાં શ્વાનોને સારવાર આપવાના હેતુથી તત્કાળ જખૌ બંદર વિસ્તારમાં પહોંચી જઈને અંદાજે ૧૦૦ જેટલા શ્વાનોની સારવાર શરૂ કરી હતી અને ૩૫ જેટલાં ગલુડિયાઓને ગ્લુકોઝના બાટલા પણ ચડાવાયા હતા. આ ટુકડીએ કાતિલ ઠંડી વચ્ચે સતત ત્રણ દિવસ સુધી શ્વાનો તેમજ ગલુડિયાની સારવાર કરી હતી અને જીવદયા પ્રેમીઓએ જરૂરી આર્થિક સહયોગ પૂરો પાડીને આ ઓપરેશનને સફળ બનાવી દીધું હતું.
આ પણ વાંચો…Bhuj: મોબાઈલ ગેમમાં હારી જતાં કિશોરે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું…
જીવદયા પ્રેમી ધવલભાઈ વરુએ એવી રસપ્રદ માહિતી આપી છે કે, બિપરજોય વાવાઝોડાં વખતે જયારે જખૌ બંદર ખાલી કરાવાયું હતું ત્યારે શવાણીની કફોડી હાલત અંગે લોકોને ખ્યાલ આવ્યો હતો. ત્યારથી ખારી ભાત, ખીચડી, ઉપરાંત બિસ્કિટ-રોટલા અને અન્ય ખાસ ડોગ ફૂડ્સ ભુજથી જખૌ દરરોજ એસ.ટી બસમાં મોકલવામાં આવે છે અને કંડકટર-ડ્રાઈવર શ્વાનોને પોતાના હાથે તે ખવડાવીને ધન્યતા અનુભવે છે. આ કાર્યમાં એસ.ટી કર્મીઓ દ્વારા પણ આર્થિક યોગદાન અપાય છે. જેથી જખૌ બંદર તરફ આવતી બસોની રાહ આ શ્વાન અને ગલુડિયા પણ જોઈ રહ્યાં છે!.