કોણ કહે છે દહેજની સમસ્યા નથી?: પુધવધૂને ફીનાઈલ પિવડાવી દેવાનો કિસ્સો નોંધાયો

ભુજઃ એ વાત ખરી કે ઘણા પરિવારો હવે દહેજની અપેક્ષા રાખતા નથી અને એ વાતનો પણ ઈનકાર ન થઈ શકે કે દહેજ વિરોધી કાયદાઓનો અમુક પત્નીઓ ખોટો ઉપયોગ કરે છે, પરંતુ દહેજની સમસ્યા હવે રહી નથી અને મહિલાઓ પગભર થવાથી સાસરિયાનો ત્રાસ નથી જેવું રંગીન ચિત્ર બતાવવામાં આવે છે, પરંતુ કમનસીબે હજુ દહેજના ખપ્પરમાં કેટલીય લાડકવાઈઓ હોમાય છે. આવો કિસ્સો ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ નોંધાયો છે.
લગ્ન બાદ મહિલા દુઃખી કે પુરુષ એ મુદ્દે સોશિયલ મીડિયા પર અતુલ સુભાષના કેસ બાદ ચાલી રહેલા કી બોર્ડ વોર વચ્ચે કચ્છમાં દહેજના મુદ્દે સાસરિયાઓ દ્વારા પરિણીતાને અસહ્ય ત્રાસ અપાઈ રહ્યો હોવાનો ચોંકાવનારો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
લગ્નના પાંચ મહિનામાં જ પરિવારે પોત પ્રકાશ્યું
ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર લગ્નના તાંતણે બંધાયાના માંડ પાંચ મહિનાની અંદર દહેજની માંગણી કરીને સાસુ સસરાએ પૂત્રવધૂને બળજબરી પૂર્વક ફિનાઈલ પીવડાવ્યું હોવાની અને પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.
એ-ડિવિઝન પોલીસને ભુજના ખારી નદી રોડ પર જલારામ નગરમાં પિયરે રહેનારી ૨૪ વર્ષિય જ્હાન્વી મેરુભાઈ ચૌહાણે આપેલી ફરિયાદમાં આપવીતી કહેતાં જણાવ્યું હતું કે, ગત ૨૨-૧૧-૨૦૨૪ના રોજ તેના લગ્ન ભુજની નવી રાવલવાડીના રઘુવંશી નગરમાં રહેતાં કુલદીપ સુરેશ સોલંકી સાથે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન લેવાયાં હતાં.
થોડા દિવસો બાદ પતિએ તું મને ગમતી નથી કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને સાસુ-સસરા તેની પાસે અવારનવાર દહેજની માંગણી કર્યા કરતા હતા. સાસરિયાની માંગણીને ધ્યાને લઈને જ્હાન્વીએ પિતા પાસેથી એંસી હજાર રોકડા લઈ આવીને પતિને આપ્યાં હતાં. જોકે તેમની લાલચ સંતોષાઈ ન હતી.
થોડા દિવસો બાદ સાસુ નીતા અને સસરા સુરેશએ તું તારા બાપના ઘરેથી દહેજમાં કંઈ નથી લાવી, બે લાખ રૂપિયા લઈ આવ કહીને બોલાચાલી કરી, હાથ પકડીને, તેનાં મોઢામાં જબરદસ્તીપૂર્વક ફિનાઈલ પીવડાવી દીધું હતું. આવી ક્રૂર હરકત બાદ એકાદ દિવસ સુધી બેભાન થઇ ગયેલી જ્હાન્વીએ પોતાના મરણોન્મુખ નિવેદનમાં પતિ, સાસુ, સસરાના ત્રાસ અંગે બયાન આપ્યું હતું.
આપણ વાંચો: ગુજરાત સરકારની બેદરકારી, ગૃહ વિભાગ હેઠળની કચેરીઓમાં 3374 સીસીટીવી કેમેરા બંધ હાલતમા
પોતાની સામે ફરિયાદ દાખલ થશે તેવી બીકમાં સાસરિયાએ તેને સમજાવી મનાવીને ફરી આવું કદી નહીં થાય તેમ કહી સમાધાન કરી નોટરી પાસે લખાણ લખાવી દેવડાવ્યું હતું. આ ભયાનક સપના જેવી ઘટના બાદ જ્હાન્વી પિયરે જતી રહી હતી. બે-ત્રણ દિવસ બાદ પતિ કુલદીપ તેને મહિલા આશ્રમ બાજુ ભાડાનું મકાન જોવાના બહાને લઈ ગયો અને હવે તું મારા ઘરે ના આવતી નહીંતર તને જાનથી મારી નાખશું તેવી ધમકી આપીને માવતરે ઉતારી પરત જતો રહ્યો હતો.
હાલ આ સમગ્ર બનાવ અંગે પોલીસે સાસુ, સસરા અને પતિ વિરુધ્ધ ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ અંગે યુવતીના માતા-પિતા કે સાસરિયા સાથે સીધો સંપર્ક થઈ શકયો નથી.