કચ્છમાં આ શું થઈ રહ્યું છે? પ્રાણીપ્રેમીઓ ક્યાં છે? ફરી નંદી સાથે આવી ક્રૂરતાનો બન્યો બનાવ
![What is happening in Kutch? Where are the animal lovers? Another incident of such cruelty with Nandi](/wp-content/uploads/2025/01/Fatal-accident-in-Jalna.webp)
ભુજઃ પશુઓ સાથે અત્યાચારની ઘણી ખબરો આવતી રહે છે અને મૂંગા જીવોની દયનીય હાલત જોઈને આપણી માનવતા શરમાઈ જાય છે, પરંતુ કચ્છમાં બનતા બનાવો માન્યામાં ન આવે તેવા છે. કચ્છમાં પશુઓની સેવા કરનારાઓની કમી નથી, પરંતુ રખડતા ઢોર સાથે થઈ રહેલા આ ઘાતકી કૃત્યોને કેમ સહન કરી લેવામાં આવે છે તે સમજાતું નથી.
થોડા દિવસો પહેલા જ માંડવીમાં રસ્તે ફેંકાયેલો ટોટો શ્વાનના મોઢામાં ફૂટતા પીડાથી કણસતા શ્વાનનું મોત થયું હતું. તો રાપરના ફતેહગઢ ખાતે એક પડતર જમીનમાં ચરી રહેલી ગૌમાતાએ ખાદ્ય પદાર્થ સમજી મોઢામાં નાખેલો વિસ્ફોટક પદાર્થ ફાટતાં જડબું ફાટી જવાનો બનાવ બન્યો હતો. ત્યારે ફરી આવી જ ઘટના ઘટી છે જેમાં લાડુ જેવો ખાદ્યપદાર્થ મોઢામાં ફૂટતા નંદી (બળદ) ઘાયલ થયો છે. આવી ઘટનાઓ પશુઓની સુરક્ષા સામે સવાલો ઊભા કરે છે.
શું છે ઘટના
માતંગે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું
કચ્છના બંદરીય શહેર ગણાતા માંડવીમાં બનેલી આ ઘટના અંગે આ નંદીના માતંગે જણાવ્યું તે પ્રમાણે તેમની પાસે ૧૨ ગાય અને ૧૫ ભેંસ છે. ગત શનિવારના રોજ તેમના પશુધનને બાડા ગામના સીમાડે ચરાવી રહ્યા હતા ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વિસ્ફોટ થયો તેમ લાગ્યું હતું. તપાસ કરતાં તેમના કાઠીયાવાડી મૂળના નંદીનું જડબું ફાટી ગયું હતું. જીભ અને દાંત પણ તૂટીને બહાર આવી ગયા હતા.
આસપાસ વધુ તપાસ કરતાં વિસ્ફોટક દારૂગોળો નજીક પડેલો હોઇ તેમણે પશુ ચિકિત્સકને જાણ કરી હતી. પીડાથી કણસતા નંદીને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકના પશુ રક્ષા કેન્દ્રમાં લઇ જવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે પેરાજ માતંગ નામના માલધારીએ માંડવી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ, એક્સપ્લોઝીવ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૮ અને ૩૨૫ હેઠળ ફરિયાદ દાખલ કરી ગૌવંશને અત્યાચારનો ભોગ બનાવનાર નરાધમોને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાપરના ફતેહગઢ, માતાના મઢ તેમજ અબડાસામાં પણ આ જ રીતે ચરિયાણ ચરી રહેલી ગાયો વિસ્ફોટક લાડુનો શિકાર બની હતી. ભુજમાં એક માદા શ્વાન પણ આવા વિસ્ફોટક લાડુનો ભોગ બની હતી જે બનાવમાં પોલીસે ચાર શખ્સોને દબોચી લીધા હતા.
આવી ક્રૂરતા કઈ રીતે આચરી શકાય
સામાન્ય રીતે ખેતરોમાં પાકને નુકસાન પહોંચાડતાં નીલગાય, ભૂંડ, ગાય, ભેંસ વગેરે જેવા પ્રાણીઓના ઉપદ્રવને નાથવા ખેતર માલિકો કે તેના ભાગિયાઓ આ રીતે પોટાશ, ગંધક વગેરે જેવા વિસ્ફોટકોના મિશ્રણના લોટના લાડુ બનાવીને ખેતરના શેઢે રાખે છે, જે આરોગવા જતાં અબોલ જીવો હિંસાનો શિકાર બને છે.
Read This…Kutch માં ફરી ધરા ધ્રુજી, રાપરમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
એક તરફ આપણે ગૌરક્ષા અને પશુપ્રેમની વાતો કરીએ છીએ. કચ્છમાં પણ આવી પ્રવૃત્તિઓ થાય છે. ખેતરોમાં રાની પશુઓના ઉપદ્રવને નાથવા સરકારી સબસીડી સાથે કાંટાળી વાડ બનાવવાના કે સામાન્ય કરંટ લાગે તેવા ઝટકા મશીનના વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે આ પ્રકારનું પશુતાભર્યુ કૃત્ય માણસો કઈ રીતે કરી શકે તે સવાલ છે. આ સાથે સ્થાનિક નેતાગીરી, પશુપ્રેમીઓ, ગૌરક્ષકો તેમ જ પોલીસ અને તંત્ર અને નાગરિકો તમારે અભિયાન છેડી મૂંગા જીવો સાથે થતી આવી ક્રૂરતાને અટકાવવા પ્રયાસો કરવા જોઈએ. ઘટના બન્યા બાદ આરોપીને પકડીએ તે કાયદાનો એક ભાગ છે, પરંતુ આવી ઘટના જ ન બને તેની તકેદારી આપણા સૌએ રાખવી ઘટે.