કચ્છમાં ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહીઃ નલિયામાં લઘુતમ તાપમાન 5.7 ડિગ્રી નોંધાયું

ભુજઃ સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છમાં છેલ્લા દસ દિવસથી પડી રહેલી હાડ થીજાવતી ઠંડીના મારથી જનજીવન પ્રભાવિત થવા લાગ્યું છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ફ્રીઝીંગ કોલ્ડવેવની પરિસ્થિતિ ઉભી થઇ રહી હોય તેમ બુધવારે લઘુતમ તાપમાન ૫.૭ ડિગ્રી સે.પર પહોંચી જતાં લોકો કાતીલ ઠારનો અનુભવ કરી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે, નલિયાનું ન્યુનતમ તાપમાન અને યુક્રેનની રાજધાની કીવની સમકક્ષ રહ્યું હતું.
જમ્મુ-કાશ્મીર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં સતત થઇ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાંથી ફુંકાઈ રહેલા બર્ફીલા વાયરાએ કચ્છને રીતસર બાનમાં લઈ લીધું છે અને લોકોને સતત ગરમ વસ્ત્રોમાં જ લપેટાયેલું રહેવું પડી રહ્યું છે.
આ પણ વાંચો: હાડ થિજાવતી ઠંડી વચ્ચે કચ્છમાં અલગ અલગ અકસ્માતોમાં પાંચ લોકોનાં મોત
ભરબપોરે પણ ઠંડી અનુભવાઈ રહી છે. શિયાળાને પગલે સૂર્યાસ્ત વહેલો થઈ જતો હોઈ ગ્રામીણ વિસ્તારોમાં સાત વાગ્યા બાદ સ્વયંભૂ કર્ફ્યૂ સમાન સ્થિતિ જોવા મળી રહી છે. મૂંગા પશુઓ પણ ઠારથી રક્ષણ મેળવવા સુરક્ષિત આશ્રય સ્થાનો શોધી લેતા હોઈ સવાર સુધી રસ્તાઓ પર કોઈ જાતની ચહલ પહલ પણ જોવા મળતી નથી. જિલ્લા મથક ભુજમાં બુધવારે લઘુતમ તાપમાન ૧૧.૪ ડિગ્રી સે. પર સ્થિર રહેવા પામ્યું હતું. પૂર્વ કચ્છના ગાંધીધામ, આદિપુર,અંજાર સહિત કંડલા સંકુલ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ઠંડીનો સારો એવો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ કોલ્ડવેવ રહેવાની આગાહી કરી છે.
કચ્છમાં પડી રહેલી ઠંડીએ હાલ પહોંચેલા યાયાવર પક્ષીઓના ભોગ લેવાનું પણ શરૂ કર્યું છે. અબડાસા અને લખપતના રણકાંધીના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પંખીઓ થીજી જઈને મોતને ભેટ્યાં હોવાનું જાણવા મળે છે.