
ભુજ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે હરિપુર-ભુજ સ્થિત 176મી બટાલિયન પરિસરમાં આયોજિત સીમા સુરક્ષા બળ (BSF)ના 61મા સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન, ગૃહ પ્રધાને શહીદ જવાનોના સ્મારક પર પુષ્પચક્ર અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. BSF મુખ્યત્વે ભારત-પાકિસ્તાન સરહદની સુરક્ષા કરે છે. આ બળની રચના પહેલાં, સરહદ પર રાજ્યની સશસ્ત્ર પોલીસ બટાલિયન તૈનાત હતી.
બોર્ડર સિક્યોરિટી ફોર્સના 61મા સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) જણાવ્યું હતું કે, “ઘૂસણખોરી અટકાવવી માત્ર દેશની સુરક્ષા માટે જ નહીં, પરંતુ આપણી લોકશાહી વ્યવસ્થાને ભ્રષ્ટ થવાથી બચાવવા માટે પણ આવશ્યક છે.
કમનસીબે, કેટલીક રાજકીય પાર્ટીઓ ‘ઘુસણખોરો હટાવો’ અભિયાન અને ચૂંટણી પંચ દ્વારા SIR પ્રક્રિયા હેઠળ ચાલી રહેલી મતદાર યાદી શુદ્ધિકરણ પ્રક્રિયાનો વિરોધ કરી રહી છે.”
તેમણે કહ્યું હતું કે કે હું આજે ખૂબ જ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે અમે આ દેશમાંથી એક એક ઘૂસણખોરને શોધી શોધીને બહાર કાઢીશું અને આ અમારું પ્રણ છે. આ દેશના કોઇપણ રાજ્યનો મુખ્ય પ્રધાન કોણ હશે? દેશનો વડા પ્રધાન કોણ હશે તે માત્રને માત્ર આ દેશનો નાગરિક જ નક્કી કરી શકશે.
અમિત શાહે આગળ જણાવ્યું હતું કે, “નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં BSF ની અનેક સિદ્ધિઓ છે… અમે 31 માર્ચ, 2026 સુધીમાં આ દેશને નક્સલવાદમાંથી હંમેશ માટે મુક્ત કરવા માટે કટિબદ્ધ છીએ. સમગ્ર તિરુપતિથી પશુપતિ કોરિડોર સુરક્ષિત કરવામાં આવશે.
BSF એ છત્તીસગઢમાં 127 માઓવાદીઓનું આત્મસમર્પણ કરાવ્યું છે, 73 માઓવાદીઓની ધરપકડ કરી છે અને 22 માઓવાદીઓને નિષ્ક્રિય કર્યા છે… BSF દ્વારા રૂ. 12,95,000 કરોડના મૂલ્યના અને 18,000 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. આજે, BSF દેશની તમામ સરહદો પર ઘૂસણખોરી રોકવામાં વ્યસ્ત છે.”
આ પણ વાંચો…મોરબીમાં કમલમનું ઉદ્ધાટન કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે થશે



