ગુજરાતના વિદ્યાર્થીઓને આ શું થયું છે? હવે કચ્છની કૉલેજમાં પ્રિન્સિપાલને લાફો ઠોક્યોઃ જુઓ વીડિયો | મુંબઈ સમાચાર
ભુજ

ગુજરાતના વિદ્યાર્થીઓને આ શું થયું છે? હવે કચ્છની કૉલેજમાં પ્રિન્સિપાલને લાફો ઠોક્યોઃ જુઓ વીડિયો

૧૦૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ઘટનાનો વિરોધ દર્શાવવા રેલી યોજી: પોલીસે બે વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો

ભુજઃ ગુજરાતના અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં એક 8માં ધોરણના વિદ્યાર્થીએ 10મા ધોરણના વિદ્યાર્થીને કિચન કટર મારી મોતને ઘાટ ઉતારી નાખવાની ઘટનાએ સૌને વિચારતા કરી મૂક્યા છે અને હજુ આ મુદ્દો ગરમ છે ત્યાં જ કચ્છના આદિપુરની કૉલેજની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. અહીં વિદ્યાર્થીઓને કોઈ મામલે સમજાવતા પ્રિન્સિપાલને એક વિદ્યાર્થીએ લાફો મારી દીધો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્તનું ધોરણ પણ કેટલું કથળેલું છે તે જણાવે છે.

યુવતી સાથે કર્યું હતું અભદ્ર વર્તન

કચ્છના આદિપુર શહેરની જાણીતી તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા એક માથાભારે વિદ્યાર્થીએ કોલેજના આચાર્યને સરાજાહેર લાફો ઝીંકી દેતાં કચ્છ સહીત રાજ્યભરના શિક્ષણ આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ કોલેજમાં અભ્યાસનો સમય પૂર્ણ થયા બાદ કેટલાક વિદ્યાર્થીઓ પાર્કિંગ પાસેના ઓટલા પર બેસીને યુવતીઓ સામે અભદ્ર વર્તન કરતા હોવા અંગે ફરિયાદો મળતાં પ્રિન્સિપાલ એવા સુશીલ ધરમાનીએ પાર્કિંગની જાત મુલાકાત લીધી હતી. આ વેળાએ અહીં બેઠેલા કેટલાક વિદ્યાર્થીઓને અહીં રજા બાદ બેસવા અંગે ઠપકો આપતાં ઉશ્કેરાઈ ગયેલા અંજારના ખેડોઇ ગામના અર્વસિંહ જાડેજા નામના વિદ્યાર્થીએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી, જયારે અંજાર તાલુકાના ખોખરા ગામના રાજવીરસિંહ મોહનસિંહ ચાવડા નામના વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને ‘હું બેન્ચ ઉપર બેઠો હોઉં ત્યારે ત્યાં આવીને આ મુદ્દે જાહેરમાં માફી માંગજો, હું વ્યવસ્થિત નહીં જ બેસું’ એમ કહીને તેઓ કાંઈ સમજે તે પહેલાં થપ્પડ મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના કેમ્પસના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

કૉલેજના વિદ્યાર્થીઓ આવ્યા પ્રિન્સપાલના સમર્થનમાં

બનાવ બહાર આવ્યા બાદ રોષે ભરાયેલા ૧૦૦૦થી વધારે કોલેજના છાત્રોએ આચાર્યના સમર્થમાં આદિપુરના પોલીસ મથક સુધી રેલી યોજી હતી અને આરોપી છાત્રોને તાત્કાલિક ઝડપી પાડવા માંગણી કરી હતી. આદિપુર પોલીસે આ બંને કળિયુગી
વિદ્યાર્થીઓ વિરુદ્ધ આચાર્યએ નોંધાવેલી ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિદ્યાર્થીઓનું આ પ્રકારનું વર્તન સમાજ માટે ઘણું ઘાતક સાબિત થઈ શકે તેમ છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button