કચ્છમાં કમોસમી માવઠાને લીધે ખુલ્લામા રહેલો પાક ધોવાઈ ગયો, ખેડૂતો તારાજ

ભુજઃ અરબ સાગરમાં સક્રિય થયેલાં ડીપ ડિપ્રેશનની અસર હેઠળ ગુજરાતમાં દિવાળી બાદ કારતક માસમાં છવાયેલો અષાઢી માહોલ બે દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો હોય તેમ રણપ્રદેશ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં આજે અડધાથી લઇ, દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો છે.
આજે જિલ્લા મથક ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં સવારના અગિયારેક વાગ્યા બાદ કમોસમી ઝાપટાં વરસ્યાં હતાં, જો કે એકાદ કલાક બાદ ધાબળીયા માહોલ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થતાં ભુજવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. બીજી તરફ પૂર્વ કચ્છના ગાંધીધામ સહિતના ચાર તાલુકાઓમાં ઝાપટાંથી માંડી અડધા ઇંચ સુધીનો માવઠાં રૂપી આફતનો વરસાદ વરસતાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું.
આ ઉપરાંત ગાંધીધામ સંકુલમાં પણ સમયાંતરે વરસી રહેલાં ભારે ઝાપટાઓને કારણે શહેરના સુંદરપુરી, ભારતનગર, લીલાશાહ નગર જેવા નીચાણ વાળા વિસ્તારોમાં કીચડયુક્ત પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ ઉપરાંત ભચાઉ અને સીમાવર્તી રાપર શહેર અને તાલુકામાં પણ કરા વરસ્યા હતા જયારે પાવરપટ્ટીનું નિરોણા, બિબ્બર, ઝુરામાં કમોસમી વરસાદે હાજરી પૂરાવતાં માર્ગો ભીના થયા હતા. શિયાળાના આગમન ટાંકણે ખાબકેલા કમોસમી વરસાદથી શિયાળુ પાકોમાં તેમજ પશુધન માટેના સૂકા ઘાસચારાને નુકશાની પહોંચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બહાર રાખેલો માલ પલળી ગયો છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જોકે માત્ર કચ્છ નહીં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ મુંબઈમાં પણ ખેડૂતો તારાજ થઈ ગયા છે.
દરમ્યાન, હવાનું હળવું દબાણ અરબી સમુદ્રમાં સ્થિર થતાં આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં હજુ માવઠું થવાની પ્રબળ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં ઓક્ટોબરે ૨૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો! સામાન્ય કરતાં ૫ ગણો વધુ વરસાદ, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ…



