કચ્છમાં કમોસમી આફતઃ ૨૪ કલાક દરમ્યાન આઠ તાલુકાઓમાં એકથી અઢી ઇંચ છુટોછવાયો વરસાદ

ભુજઃ ઉત્તરી અરબ સાગર અને સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તાર પર ઉભું થયેલું હળવાં દબાણનું ક્ષેત્ર મજબૂત ડિપ્રેશનમાં ફેરવાઈ જતાં તેની અસર હેઠળ સમગ્ર રાજ્યની સાથે સાથે રણપ્રદેશ કચ્છમાં કમોસમી વરસાદ વરસવાનું યથાવત રહ્યું હોય તેમ વીતેલા ૨૪ કલાક દરમ્યાન ભુજ અને તેની આસપાસના વિસ્તારો, નખત્રાણા, માંડવી, સીમાવર્તી લખપત, રાપર, ભચાઉ, અંજાર-ગાંધીધામ, મુંદરા સહિતના મથકોએ એકથી અઢી ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો. નખત્રાણા તાલુકાના આનંદપર, મોટી વિરાણી, નારણપર, પદમપર, રામપર, રવાપર, કોટડા અને દેશલસર ગુંતલી સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ પડ્યો હોવાના વાવડ મળી રહ્યા છે. આ ઉપરાંત અંજાર-ગાંધીધામ, નખત્રાણા પંથક, બંદરીય શહેરો માંડવી અને મુંદરા, લખપત-ખાવડા સહિતના વિસ્તારોમાં વંટોળિયા અને ભારે મેઘગર્જનાઓ સાથે માવઠું વરસતાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યાં હતાં અને દિવાળી માટે તૈયાર થઇ રહેલી પરંપરાગત બજારોમાં કીચડનું સામ્રાજ્ય ખડું થયું હતું.
દશેરાના પર્વના દિવસે વરસેલા કમોસમી વરસાદને પગલે રાવણ દહનના રંગારંગ કાર્યક્રમોને રદ કરી દેવાની આયોજકોને ફરજ પડી હતી. અલબત્ત, શુક્રવારે વહેલી પરોઢથી સવારના આઠેક વાગ્યા સુધી ઝાપટાં વરસ્યાં હતાં જો કે ત્યારબાદ આ લખાઈ રહ્યું છે ત્યારે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ધાબળીયા માહોલ વચ્ચે થોડો ઉઘાડ નીકળતા થોડી રાહત થઈ હતી.
ખેડૂતોને નુકસાન
આ પાછોતરા વરસાદના લીધે મગફળી અને કપાસના પાકમાં નુકસાની પહોંચી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. મુંદરા તાલુકાના ગુંદાલા, પત્રી અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારો, ફાચરિયા પંથક, છસરા, મોખા વગેરે જગ્યાઓએ મગફળી અને કપાસનું વાવેતર થઈ ચૂક્યું હતું, પરંતુ આ કમોસમી વરસાદથી આ પાકને ભારે નુકસાની પહોંચી રહી છે. કેટલાક ગામોમાં તલ અને મગનું પણ મોટાપાયે વાવેતર હતું, જેને પણ આ કવેળા વરસાદે જફા પહોંચાડી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
વીજળી પડતા એકનું મોત
દરમ્યાન, વાગડ વિસ્તારના ગેડી ગામમાં એક ટ્રેક્ટર-ટ્રોલી પર આકાશી વીજળી ત્રાટકતાં ટ્રકટર ચાલક એવા વેલજી ભીમા નામના યુવકનો જીવનદીપ બુઝાયો હતો અને ત્રણ જણ ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, ગત મોડી સાંજના અરસામાં ખેતરમાંથી બી.ટી કપાસનું ખેતીકામ પૂર્ણ કરીને ઘર પરત જતી વેળાએ ટ્રેકટર પર પર આકાશી વીજળી ત્રાટકી હતી જેમાં વેલજી ભીમા નામના યુવકનું મોત નીપજ્યું હતું અને તેની આસપાસ ટ્રેકટર પર બેઠેલા ત્રણ લોકો વીજળીથી દાઝી જતાં તમામને રાપરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભારતીય મોસમ વિભાગે આગામી ૭મી ઓક્ટોબર સુધી કચ્છ-સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી છે.