ભુજના શેખપીર પાસેથી ૧૭ લાખના મેકડ્રોન (એમ.ડી) ડ્રગ્સ સાથે બે યુવકો ઝડપાયા

ભુજઃ શહેરની ભાગોળે આવેલા શેખપીર ત્રણ રસ્તેથી ૧૭ લાખની કિંમતના મેકડ્રોન નામના સિન્થેટિક ડ્રગ્સ સાથે બે પેડલરોને એસઓજીએ ઝડપી પાડ્યા હતા.
પશ્ચિમ કચ્છ પોલીસ દળના સ્પેશિયલ ઓપરેશન ગૃપના પી.આઈ કે.એમ. ગઢવીના જણાવ્યા પ્રમાણે, ગત શુક્રવારે ટ્રકનું અમદાવાદથી ભાડું ભરીને બે આરોપીઓ કચ્છ તરફ આવતાં હતા ત્યારે શાહ આલમના સલીમ સૈયદ નામના ડ્રગ પૅડલરના માણસ મારફતે તેમણે આ સિન્થેટિક ડ્રગ ભુજ અને તેની આસપાસના વિસ્તારોમાં છૂટક વેંચાણ કરવા અર્થે ખરીદયું હતું.
ગત શનિવારે બપોરે એએસઆઇ નરેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે એલોજી ટીમે શેખપીર ત્રણ રસ્તા પાસે પાર્કિંગમાં રહેલી આઈસર ટ્રકમાં બેઠેલાં કરીમ સિધિક મમણ (ઉ.વ. ૩૩, રહે. નાના વરનોરા, ભુજ) અને હરેશ વાલજી કેરાસીયા (૩૪, ઝીંકડી, ભુજ)ને અટકમાં લીધા હતા. સિધિકની અંગઝડતી લેવાતાં તેના ખિસ્સામાં રહેલી પ્લાસ્ટિકની બે પડીકીમાંથી એમડી ડ્રગ્ઝ મળી આવ્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ડ્રગ્ઝ ખરીદવા માટે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં રહેતા સલીમ સૈયદ નામના શખ્સનો ફોનથી સંપર્ક કર્યો અને તેનો માણસ ડ્રગ્ઝની ડિલિવરી આપી ગયો હતો.
સલીમ પાસેથી તેમણે ૩૨ હજારમાં ડ્રગ્ઝ ખરીદેલું જે પૈકી ૧૯૦૦ રૂપિયા ઓર્ડર આપ્યો ત્યારે એડવાન્સમાં ચૂકવેલાં અને ૧૩ હજાર રૂપિયા ડિલિવરી મળ્યાં બાદ ચૂકવ્યાં હતાં. આરોપીઓના કબજામાં રહેલા માદક પદાર્થ ઉપરાંત ૧૫ લાખની આઈસર ટ્રક, ૨૦,૯૮૫ રોકડાં રૂપિયા, બે મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૧૭ લાખ ૩ હજાર ૯૮૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને પધ્ધર પોલીસ મથકે એનડીપીએસ એક્ટની કલમો તળે ફરિયાદ નોંધાવાઈ છે.
માદક પદાર્થની ખેપ મારતાં ઝડપાયેલા સિધિક સામે ગત વર્ષે માધાપર પોલીસ મથકમાં એક સગીર બાળાના અપહરણ, પોક્સોની કલમો તળે ગુનો નોંધાયો હતો. હરેશ કેરાસીયા અગાઉ માધાપર અને પધ્ધર પોલીસના હાથે જુગાર રમતાં ઝડપાયેલો હોવાનું નરેન્દ્રસિંહ ઝાલાએ ઉમેર્યું હતું.
આપણ વાંચો: વડોદરામાં ત્રણ માળની ઈમારત ધસી પડીઃ જાનહાનિ ટળી