કચ્છમાં બે અકાળે મોતઃ એકની નાની બાબતમાં હત્યા તો એક વિદ્યાર્થી અકસ્માતનો ભોગ બન્યો

ભુજ: ઘણીવાર નાનકડી વાત મોટી બની જાય અને ક્ષણવારમાં હતું ન હતુ થઈ જાય. કચ્છમાં આવી ઘટના ઘટી છે જેમાં બે યુવાને જીવ ગુમાવ્યા છે. બે પરિવારોએ વિચાર્યું પણ નહીં હોય કે ગણતરીના કલાકોમાં તો તેમના પર આભા તૂટી પડશે.
હત્યાની ઘટના વિશેની મળતી માહિતી મુજબ ભુજના સંવેદનશીલ વિસ્તાર તરીકે ઓળખાતા કેમ્પ વિસ્તારમાં પૈસાની લેવડ-દેવડના મામલે એક યુવકનું ધારદાર હથિયાર વડે ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, કેમ્પ વિસ્તારના રાજેન્દ્ર નગર ખાતે ગત મધરાતે બાર વાગ્યા બાદ આ હત્યાની ઘટના બની હતી. મૃતક જાકબ અબ્દુલા બકાલી આરોપી આવેશ ફારૂક તુંરિયા પાસેથી લેવાના થતા નાણાંની ઉઘરાણી કરતો હોઈ, આરોપીએ જાકબ પર અચાનક છરી વડે હુમલો કર્યો હતો.
ગંભીર ઈજાઓ સાથે જાકબને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ભુજ બી ડિવિઝન પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીને પણ ઇજાઓ પહોંચી છે, જે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : ભુજ-મુંદરા રાજ્ય ધોરીમાર્ગ ટ્રિપલ અકસ્માતમાં વધુ એક મોત સાથે મૃત્યુઆંક છ પર પહોંચ્યો
તો બીજી બાજુ આદિપુરની સેવી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ચાલી રહેલી બોર્ડની પ્રિલિમનરી પરીક્ષા આપીને ઘરે પરત ફરી રહેલા ૧૯ વર્ષીય અંકુશ સુધન પ્રસાદને વરસામેડી ગામમાં ટ્રેલર સાથે અકસ્માત નડતાં ગંભીર ઈજાઓના પગલે અંકુશનું બનાવ સ્થળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે. મૃતક વિદ્યાર્થીના પિતા હાલ અમેરિકામાં હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે અકસ્માત સર્જી, વાહન સમેત ઘટનાસ્થળેથી પલાયન થઇ ગયેલા ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.