ઉત્તરાયણ પહેલા માંડવીમાં કાતિલ ચાઈનીઝ દોરીથી બે લોકો ઘવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ મકરસંક્રાંતિ પર્વના શરૂ થઇ ચૂકેલાં કાઉન્ટડાઉન વચ્ચે જીવલેણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી અકસ્માત સર્જાવવાનું જાણે અત્યારથી જ શરૂ થઇ ચૂક્યું હોય તેમ સરહદી કચ્છના બંદરીય મથક એવા માંડવીના સલાયા ખાતે ધોળા દિવસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની અડફેટમાં આવી જવાને લીધે એક બાળક અને મોટરસાઇકલ ચાલક ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગત બપોરના અરસામાં આકાશમાંથી આવેલી પતંગની કપાયેલી ચાઈનીઝ દોરી એક બાળક તથા મોટરસાઇકલ ચાલકના ગળામાં વીંટળાઈ ગઈ હતી. સદનસીબે પતંગની ચાઈનીઝ દોરી ગળાના ભાગેથી ચીરો કરીને સહેજમાં નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી હતી.
આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હરકતમાં આવેલી સ્થાનિક પોલીસે માંડવી વિસ્તારમાં અલગ-અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધરતાં હજીરા રોડ પર હરેશગર દેવગર ગુંસાઈ પાસેથી ચાઈનીઝ દોરીની ફીરકી મળી આવતાં તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં છેલ્લા એક મહિનાથી ખુલ્લેઆમ ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પોલીસ માત્ર કાગળ પર ગણ્યાગાંઠ્યા કેસો કરીને સંતોષ માની રહી છે, જેના કારણે વેપારીઓને મોકળું મેદાન મળી ગયું છે. જ્યારે ઉતરાયણ પર્વ નજીક આવે છે, ત્યારે જંગલ ખાતું અને પોલીસ વિભાગ અચાનક સક્રિય થઈ જાય છે.
પતંગના વેપારીઓની દુકાનોમાં ચેકિંગના નામે માત્ર ‘ફોટો સેશન’ કરવામાં આવે છે અને નક્કર કામગીરીને બદલે માત્ર અખબારી યાદીઓ પ્રસિદ્ધ કરી દેવાય છે તેમ સલાયા ગામના સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું.



