ભુજ અને અંજાર પાસે ટ્રેન નીચે આવી ગયેલા બે યુવકોના મોત

ભુજ: તહેવારોના શરૂ થઈ રહેલા રહેલા સપરમા દિવસો વચ્ચે કચ્છમાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન બનેલી વિવિધ અપમૃત્યુની દુર્ઘટનાઓમાં ચાર લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી પ્રસરી છે.
ભુજના સુરલભિટ્ટ-નાગોર વચ્ચેના રેલવે ફાટક ખાતે મુસાફર ટ્રેન હેઠળ આવી ગયેલા ભુજના ૩૧ વર્ષીય શિવમ કોમલસિંગ પાલનું કમકમાટીભર્યું મોત થયું હતું, જયારે અંજારના મેઘપર કુંભારડીની નવકાર સોસાયટી નજીક રેલવે ક્રોસિંગ પરથી પસાર થઇ રહેલી માલગાડી ટ્રેન હેઠળ આવી ગયેલા શિણાય ગામના સંજય ગોવિંદ કોટડિયા (ઉ.વ.૪૨)એ પોતાનો જીવ ખોયો હતો, આ ઉપરાંત બંદરીય માંડવી તાલુકાના બેરાજા ગામ ખાતેની સોલાર કંપનીમાં માલ ઉતારતી વેળાએ ફોર્કલિફ્ટ મશીનના ઓપરેટરની બેદરકારી થકી ભારે સમાન હેઠળ દબાઈ ગયેલા ગજોડના ભાવેશ પચાણ મહેશ્વરીનું ગંભીર ઇજાના લીધે મોત નીપજ્યું હતું, બીજી તરફ અંજાર-ગળપાદર ધોરીમાર્ગ ઉપર પંચર પડેલા ટાયરને બદલાવી રહેલા શંભુલાલ માધુજી મીણા નામના યુવાનને રસ્તા પરથી પસાર થતી ટ્રકમાંથી મિસાઈલ જેમ ધડાકા સાથે નીકળેલું ટાયર વાગતાં તેનું ગંભીર ઇજાઓને પગલે મોત થયું હતું.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ભુજના મુંદરા રોડ પર નિલકંઠ નગર ખાતે રહેતો શિવમ ગત સવારના આઠેક વાગ્યાના અરસામાં નાગોર ફાટકથી સુરલભિટ્ટ ફાટક વચ્ચે સયાજી એક્સપ્રેસ ટ્રેન હેઠળ આવી જતાં હતભાગીનું કમકમાટીપૂર્ણ મોત થયું હતું. ઘટનાસ્થળે વેરવિખેર અવસ્થામાં પડેલા મૃતકના શરીરના ટુકડાઓને જાણીતી સેવાભાવી માનવજ્યોત સંસ્થાના કાર્યકરોએ એકત્ર કરી, સંસ્થાની એમ્બ્યુલન્સ મારફતે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ મધ્યે પહોંચાડ્યા હતા.ઘટના સંદર્ભે ભુજ બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારનો બીજો બનાવ અંજાર તાલુકાના મેઘપર કુંભારડી નજીક બનવા પામ્યો હતો જેમાં શિણાયની અંબાજી સોસાયટીમાં રહેનાર સંજય કોટડિયા નામનો એક પુત્રીનો પિતા એવો આ યુવક કોઇ માલવાહક ટ્રેન હેઠળ આવી જતાં તેનું તત્કાળ મોત થયું હતું. હતભાગીએ આત્મહત્યા કરી હોવાના પ્રાથમિક તારણ સાથે પોલીસે તપાસ શરૂ કરી છે.
બીજી તરફ, માંડવીના બેરાજામાં સીએમઇએલ સોલાર કંપનીમાં ફોર્કલિફ્ટ મશીન વડે કન્ટેનરમાં ભારે માલ ઠાલવવાનું કાર્ય ચાલી રહ્યું હતું એ વેળાએ ફોર્કલિફ્ટ મશીન ઓપરેટરની બેદરકારી થકી બૂમ છટકતાં ભારે માલ કન્ટેનર પાસે ઉભેલા ભાવેશ પર પડતાં તેનું તત્કાલ મૃત્યુ નીપજ્યું હતું. ઓપરેટર વિરુદ્ધ પ્રાગપર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
દરમ્યાન, અંજાર-ગળપાદર ધોરીમાર્ગ પર કંપનીની ટ્રકના બે ટાયરોમાં પડેલાં પંચરને રીપેર કરતી વેળાએ માર્ગ પરથી પસાર થયેલા અન્ય ટ્રકમાંથી કોઈ કારણોસર છૂટું પડેલું તોતિંગ ટાયર શંભુલાલ મીણાને વાગતાં ગંભીર ઇજાઓને પગલે તેનું સારવાર અગાઉ મોત નીપજ્યું હતું. આ વિચિત્ર દુર્ઘટના અંગે રાહુલકુમાર શ્રીભજન ખારવારે અજાણ્યા વાહનના ચાલક સામે પોલીસે ફરિયાદ નોંધાવી હતી.