ભુજ

માંડવીમાં લૂંટની ચકચારી ઘટનામાં કૉંગ્રેસી નગરસેવકના પુત્ર સહિત બે ઝડપાયા

ભુજઃ બે મહિના અગાઉ કચ્છના ટુરિસ્ટ હોટસ્પોટ માંડવી શહેરમાં અમદાવાદના ફાઈનાન્સર યુવક સાથે છરીની અણીએ પાંચ લાખ રૂપિયાની લૂંટ કરવાના ચકચારી ગુનામાં અત્રેની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ભુજના જાણીતા નગરસેવક મહેબુબ પંખેરીયાના પુત્ર અબરાર સહિત બે શખ્સની ધરપકડ કરી લીધી છે.

આ રીતે રચ્યું હતું કાવતરું

વાસ્તવમાં આ લૂંટ કાવતરાનો એક ભાગ હતો. જેમા અબરાર સાથે તેનો મિત્ર અવેશ સામેલ થયો હતો, તેવી માહિતી પોલીસ તપાસમાં ખુલી છે. આ ગુના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ગત ૧૯મી મેના રોજ માંડવીના મહિલા બાગ પાસે આ લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં સગા મામા અને માસીના દીકરા સાથે ભાગીદારીમાં ગોલ્ડ ફાઈનાન્સ કંપની ચલાવતો અમદાવાદનો ઓમ પરેશ શાહ નામનો યુવક, સોના પર લોન મેળવી, સોનાને છોડાવી ના શકતાં મજબુર લોકોના દાગીના છોડાવી બજાર ભાવ કરતાં બે ટકા ઓછાં ભાવે છોડાવેલું સોનુ ખરીદે છે. તેમની ફાઈનાન્સ કંપનીની સોશિયલ મીડિયા પર પ્રગટ થયેલી જાહેરાત જોઈને માંડવીના મોટા સલાયાના અવેશ અલીમામદ સોઢાએ વોટસએપ પર ઓમનો સંપર્ક કર્યો હતો.

અવેશે પોતે મુથુટ ફાઈનાન્સમાં સાડા નવ તોલા સોના પર છ લાખની લોન મેળવેલી હોઈ અને પોતે લોન બંધ કરાવવા ઈચ્છતો હોવાનું જણાવ્યું હતું. ઓમે ગણતરી કરતાં તે સમયે સોનાની કિંમત ૭.૪૧ લાખ રૂપિયા થતી હોઈ તેનું સોનુ પોતે છોડાવી દેશે અને બજાર ભાવ કરતાં બે ટકા ઓછાં દરે તેને મળતા વધતાં રૂપિયા આપી દેશે તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ અવેશે ઓમને વ્હોટ્સએપ પર મુથુટ ફાઈનાન્સમાં ગિરવે મૂકેલા ઘરેણાંની રસીદ, આધાર કાર્ડ વગેરે મોકલતાં તેના પર ભરોસો આવી ગયો હતો, પણ હકીકતમાં અવેશ અને તેની ગેંગના અન્ય સાગરિતોએ તેને માંડવી બોલાવી, લૂંટી લેવાની યોજના બનાવી હતી. ત્યારબાદ ૧૯મી મેના રોજ ઓમ તેના અન્ય સાથીઓ સાથે કારમાં માંડવી આવ્યો હતો. તેમણે આંગડિયાથી મંગાવેલા પાંચ લાખ રોકડા રૂપિયા અને અને અન્ય રોકડ સાથે રાખી હતી.

આપણ વાંચો:  કચ્છના અમુક વિસ્તારો દીપડાથી પરેશાનઃ નખત્રાણામાં ફરી એક શ્રમજીવી થયો ઘાયલ

આ રીતે પાર પાડયું લૂંટનું કાવતરું

અવેશ મોપેડ લઈને તેમને મળવા આવ્યો અને ફાઈનાન્સ પેઢીની ઑફિસ ગલીકૂંચીઓમાં આવેલી હોવાનું જણાવીને કાર અંદર નહીં જઈ શકે તેમ જણાવી ઓમને પોતાની મોપેડ પર બેસી જવાનું જણાવતાં તેના પર ભરોસો કરીને તર પાંચ લાખ રોકડ રૂપિયા ભરેલો થેલો લઈને મોપેડ પાછળ બેસી ગયો હતો.

પૂર્વ આયોજિત કાવતરાં મુજબ રસ્તામાં મોપેડ પર આવેલા બે બુકાનીધારી સાગરીતોએ છરી બતાડી, જાનથી મારી નાખવાની ધમકી આપીને પાંચ લાખ રોકડાં રૂપિયા ભરેલા થેલાને આંચકીને નાસી ગયાં હતા. લૂંટ બાદ અવેશ પણ ફરિયાદીને ઉતારીને આરોપીઓ જે દિશામાં ગયેલા તે બાજુ નાસી ગયો હતો.

અત્યારસુધી ચાલેલી તપાસ બાદ આખરે સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ભુજના વૉર્ડ નંબર એકના કોંગ્રેસી નગરસેવક અને આર.ટી.ઓ એજન્ટ મહેબુબ પંખેરીયાના પુત્ર અબરાર (રહે. ઓધવ વંદના, એરપોર્ટ રોડ, ભુજ) અને ભુજના રહિમનગરમાં રહેતા સોહિલ સલીમ ચાવડાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button