ભુજ-નલિયા ટ્રેક પર પેસેન્જર ટ્રેનની ટ્રાયલઃ વડા પ્રધાન જાહેરાત કરે તેવી કચ્છવાસીઓને આશા

ભુજઃ કચ્છના ભુજ અને અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા વચ્ચે તાજેતરમાં પથરાયેલી ૧૦૧ કિલોમીટર લાંબી રેલવે લાઈન પર ગુડ્સ ટ્રેનના સફળ પરીક્ષણ બાદ હવે પેસેન્જર ટ્રેનની ટ્રાયલ લેવાનો તખ્તો ઘડાઈ ગયો છે જે અંતર્ગત મુંબઈ રેલવે ડિવિઝનના વરિષ્ઠ અધિકારી રાજન શ્રીવાસ્તવ અને તેમની ટીમ બુધવારે પેસેન્જર ટ્રેનની દોડાવીને ટ્રાયલ રન લેશે. સવારે નવ વાગ્યે ભુજથી પેસેન્જર ટ્રેન ઉપડશે અને બપોરે બે વાગ્યા સુધી આ ટ્રેન નલિયા પહોંચશે,

જો પેસેન્જર ટ્રેનની ટ્રાયલ રન સફળ રહેશે તો આગામી ૨૬ મેના રોજ ૪૫ હજાર કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવા માટે ભુજ પધારી રહેલા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ ટ્રેક પર પેસેન્જર ટ્રેન દોડાવવાની જાહેરાત કરાય તેવી પ્રબળ શક્યતા ઉભી થઇ છે તેમ પશ્ચિમ રેલવે સાથે સંકળાયેલા આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: પેસેન્જરને બચાવવા ટ્રેન રિવર્સ લઈ ગયા પણ…
ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં જ ભુજ-નલિયાના આ નવા ટ્રેકનું ઈલેક્ટ્રીફિકેશનનું ભગીરથ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા આ ટ્રેક પર નિયમિત રીતે ગુડ્સ ટ્રેનને દોડાવાઈ રહી છે, પરંતુ, પેસેન્જર ટ્રેન ક્યારે શરૂ થશે એ બાબતનો હજુ સુધી કોઈ સતાવાર રીતે ફોડ પાડવામાં આવ્યો નથી.
ભુજ નલિયા વચ્ચે સંભવિત પેસેન્જર ટ્રેન સેવા શરૂ થશે તો નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાના નાગરિકોની સુવિધામાં વધારા સાથે ઔદ્યોગિક અને વ્યૂહાત્મક રીતે આ સેવા અત્યંત ઉપયોગી બની રહેશે