સાવધાન: અંજારમાં આશીર્વાદ આપવાના બહાને કિન્નરે ઘરમાંથી કરી ૩ લાખની ચોરી

ભુજઃ પૂર્વ કચ્છના અંજાર શહેરની ભાગોળે આવેલા વરસામેડી ગામના એક રહેણાંક વિસ્તારમાં ગૃહસ્થના ઘરે ‘આશીર્વાદ’ આપવા આવેલા ઓળખીતા કિન્નરે કપડાં બદલવાના બહાને બેડરૂમમાં જઈ, કબાટમાં રહેલા રોકડ રૂપિયા તથા દાગીના સહીત કુલ રૂા.૩,૦૬,૦૦૦ની મતાને તફડાવી જતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
અજાણ્યા આગંતુકો પ્રત્યે સંવેદના દર્શાવનારા લોકો માટે આંખ ઉઘાડનારી આ ઘટના અંગે વરસામેડીના કેશવનગર મકાન નંબર ૨૧માં રહેતા અને ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા રાજેશ સત્યવીર શર્માએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, હરિયાણા ગયેલા તેમના પુત્ર, પુત્રવધૂ, પૌત્ર, અને પત્ની ગત ૮-૧૨ના રોજ વરસામેડી પરત ફર્યા હતા. બપોરે તેમના ઓળખીતા રાજસ્થાનના કિન્નર પૂજાદેનો ફોન આવ્યો હતો, પોતે ગાંધીધામ આવ્યા છે અને તમારા ઘરે આવું છું તેમ કહી આ કિન્નર તથા સહિલ નામનો શખ્સ ત્યાં કારથી આવ્યા હતા.
તેઓ પોતે કામસર ઘરેથી બહાર નીકળી ગયા હતા. પત્ની અને અન્ય મહિલાઓ ઘરની લોબીમાં પાર્ટી સ્પીકર ચાલુ કરીને નૃત્ય કરી રહ્યાં હતાં. પુત્ર તથા કિન્નર સાથે આવેલો સાહિલ અન્ય રૂમમાં બેઠા હતા. આ વેળાએ કિન્નર પુજાદેએ કપડા બદલવાના બહાને બે-ત્રણ વખત અન્ય રૂમમાં જઈને હાથ ફેરો કર્યો હતો.
આ કિન્નરે ફરિયાદીના પત્ની તથા પુત્રવધુના પર્સમાંથી રોકડ રૂા. ૨૫,૦૦૦ તથા સોનાની પાંચ વીંટી, સોનાનું મંગળ સુત્ર, કાનમાં પહેરવાના ઝુમખા, કાનમાં પહેરવાના ડાયમન્ડવાળી ઝુમખા, નાકમાં પહેરવાની બાલી નંગ-પાંચ, ચાંદીના સાંકળા જોડી નંગ-બે, ચાંદીની વીંટી નંગ-ચાર, ચાંદીની ચેઇન એમ કુલ્લ રૂા. ૩,૦૬,૦૦૦ની મતાની તસ્કરી કરીને નંબર પ્લેટ વગરની લાલ રંગની કાર લઇને બંને નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે બંને ધુતારાઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



