ભુજ

ટ્રેન ઓન ડિમાન્ડ: આગામી શુક્રવારથી ભુજ-રાજકોટ-ભુજ વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન થશે જરૂર

ભુજઃ સીમાવર્તી કચ્છના પ્રવાસીઓની દાયકાઓ પુરાણી માંગણીને ધ્યાને લઈને પશ્ચિમ રેલવેએ આગામી ૨૧ માર્ચ શુક્રવારથી ભુજ રાજકોટ ભુજ વચ્ચે દૈનિક ધોરણે સ્પેશિયલ ટ્રેઈન સેવા શરૂ કરવાનો નિર્ણય લેતાં કચ્છીઓમાં હર્ષની લાગણી પ્રસરી છે. ‘ટ્રેન ઓન ડિમાન્ડ’ના બેઝ પર શરૂ થનારી આ ખાસ ટ્રેનનું ભાડું પણ ‘ખાસ’ હશે.

ટ્રેન સેવાના સમયપત્રક અંગે પશ્ચિમ રેલવેએ જારી કરેલી વિજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે, આ ટ્રેન દરરોજ સવારે ૬.૫૦ કલાકે ઉપડીને ૧.૩૫ કલાકે રાજકોટ પહોંચશે.

વળતી ટ્રીપમાં ટ્રેન રાજકોટથી બપોરે અઢી વાગ્યે ઉપડીને રાત્રે ૯.૪૦ કલાકે ભુજ પરત પહોંચી, ૨૭૩ કિલોમીટરનો પ્રવાસ ૭ કલાકમાં ખેડશે.

આ પણ વાંચો…ભુજના જમીન ફાળવણી કેસમાં સુપ્રીમ કોર્ટે તત્કાલીન કલેકટર પ્રદીપ શર્માની જામીન અરજી ફગાવી

કુલ ૩ માસ અને ૯ દિવસ પૂરતી દોડનારી આ વિશેષ ટ્રેન બંને તરફથી આવ-જા કરતી વેળા ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, માળિયા, દહીંસરા, મોરબી ખાતે સ્ટોપ કરશે. આ ટ્રીપમાં આશ્ચર્યજનક રીતે અંજાર અને આદિપુરની બાદબાકી કરી દેવાઈ છે.

પ્રવાસીઓના ધસારાને અનુલક્ષીને આ ટ્રેન સેવા વિસ્તારવા અંગે નિર્ણય લેવાશે. વિશેષ ટ્રેન શરૂ થવાની જાહેરાતને વધાવી લઈને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પ્રવાસીઓની લાંબા સમયની પડતર માંગણીને સંતોષવા બદલ સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રેલવે મંત્રી અશ્વિનીકુમારનો આભાર માન્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button