રેલવેએ ભુજનો આ રૂટ બંધ કરી દેતા સેંકડો લોકોને પરેશાની

ભુજઃ પશ્ચિમ રેલવે દ્વારા છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવામાં આવેલી ભુજ-પાલનપુર ઈન્ટરસિટી એક્સપ્રેસ ફરી શરૂ થવાની લોકોને આશા હતી, પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે. ટ્રેનને ટેક્નિકલ કારણોને આગળ ધરીને લાંબા ગાળા સુધી બંને દિશામાં રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ટેકનિકલ કારણોસર ભુજ-પાલનપુર-ભુજ ઈન્ટરસિટી એક્સપ્રેસને હંગામી ધોરણે આગામી એપ્રિલ-૨૦૨૬ સુધી રદ કરી દેવામાં આવી છે, જયારે ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ ટ્રેનને યથાવત્ રાખવામાં આવી છે.
સેંકડો લોકો ખાનગી બસસેવાના ભરોસે
અત્રે એ નોંધનીય છે કે, ભુજ-પાલનપુર ટ્રેનને ગત ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૮થી દોડતી હતી અને રેલવે દ્વારા પાલનપુરથી રાજધાની અને આશ્રમ એક્સપ્રેસ સહિતની ટ્રેનોની કનેક્ટિવિટી મળે તે રીતે સમયપત્રક ગોઠવવામાં આવ્યું હતું અને એસી ચેરકાર તેમજ રિઝર્વેશન કોચ પણ રાખવામા જોડવામાં આવ્યા હતા, પરંતુ વર્ષ ૨૦૨૩થી ટેકનિકલ કારણોસરના આ ટ્રેનને રદ કરવામાં આવી રહી છે.
કચ્છમાં પાલનપુર અને બનાસકાંઠા ખાતે વસવાટ કરતા લોકોની અને ખાસ કરીને શ્રમિક વર્ગની વસ્તી વ્યાપક છે. વાગડ વિસ્તારમાં રહેતા આ વિસ્તારના શ્રમિક વર્ગ માટે આ ટ્રેન ઉપયોગી હતી, પરંતુ એક ટ્રેન લાંબા સમયથી બંધ હોવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નાછૂટકે બસ અને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે. આ ટ્રેન રદ કરવાના બદલે સમયપત્રકમાં સુધારા કરીને ફરી શરૂ કરવામાં આવે તેવી મુસાફરો માંગણી કરી રહ્યા છે.
આ પણ વાંચો…નવી મુંબઈવાસીઓ માટે સારા સમાચાર! સબર્બન રેલવેમાં વધુ એક રેલવે સ્ટેશનનો થશે ઉમેરો