ભુજ

કરુણ અંત: કચ્છના અફાટ રણમાં ભૂલાં પડેલા ઇજનેરનો પાંચમા દિવસે મૃતદેહ હાથ લાગ્યો

ભુજ: સરહદી જિલ્લા કચ્છના અફાટ રણમાં એક સોલાર પ્રોજેક્ટ અંતર્ગત સર્વે કરવા આવેલા અને જાનલેવા ગરમીમાં ગાયબ થઈ ગયેલાં પશ્ચિમ બંગાળના બર્ધમાનના ૫૫ વર્ષિય ઇજનેર અર્નબ પાલને શોધવા માટે દિવસ-રાત ચાલી રહેલાં શોધખોળ અભિયાનનો પાંચમા દિવસે કરુણ અંત આવ્યો છે. બેલા નજીક સુકનાવાંઢ રણ વિસ્તારમાંથી ગુરુવારની સાંજના સાત વાગ્યાના અરસામાં અર્નબ પાલનો મૃતદેહ મળી આવ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ, અદાણી કંપનીને રણ વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ બનાવવા માટે પચાસ હજાર હેક્ટર જમીન ફાળવાઈ છે. આ પ્રોજેક્ટ સાઈટ માટે રસ્તાનો સર્વે કરવા રવિવારે પંદરેક જેટલી મોટરકારોમાં ઇજનેરો, ટેકનિશિયનો, શ્રમિકોનો કાફલો રણમાં ગયો હતો. આ દરમ્યાન રસ્તાના સર્વે માટે રણમાં અંદર સુધી ઘુસેલી કાર આગળ વધી શકે તેમ ના હોતાં બે જણ પગપાળા અફાટ રણમાં આગળ વધ્યાં હતાં. વાહન સમેત ત્રણ જણ મારગ ભૂલ્યાં હોવાનો સંદેશ મળતાં અન્ય ટૂકડી તેમને લેવા રવાના થઈ હતી. એન્જિનિયર અર્નબ પાલ કારની શોધમાં આગળ નીકળ્યાં હતા અને પછી ગાયબ થઈ ગયાં હતાં. મારગ ભૂલેલાં અન્ય લોકો હેમખેમ મળી ગયાં પરંતુ પાલનો કોઈ પત્તો ના મળતાં બીએસએફ, પોલીસને જાણ કરાઈ હતી.

ગત રવિવાર સાંજથી અર્નબ પાલનો પત્તો મેળવવા બીએસએફ સાથે ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાના નેતૃત્વમાં ખડીર પી.આઈ એ.એન. દવે સાથે બાલાસર અને રાપર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. બીજા દિવસે સર્ચ એન્ડ રેસ્ક્યુ અભિયાનમાં આસપાસના ગામના લોકો, વન વિભાગ પણ જોડાયાં હતાં. અંદાજે સોથી સવાસો લોકોનો કાફલો સર્ચમાં જોડાયો હતો પરંતુ છેલ્લાં ચાર દિવસથી પાલનો કોઈ પત્તો મળતો નહોતો.

આપણ વાંચો:  ગુજરાતની કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીને સ્મોલ ડ્રોન બનાવવાનું ટાઈપ સર્ટીફિકેટ મળ્યું

આ દરમિયાન ગુરુવારની સાંજે સાતેક વાગ્યાના અરસામાં રણમાં પડેલો પાલનો મૃતદેહ મળી આવ્યો હતો. અતિશય ગરમી અને ડિહાઈડ્રેશનના લીધે પાલનું મૃત્યુ થયું હોવાનું જણાઈ રહ્યું છે. ફોરેન્સિક ઑટોપ્સી માટે મૃતદેહને જામનગર મોકલી અપાશે તેમ રાપર પી.આઈ જે.બી. બુબડીયાએ જણાવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button