ભુજ

કચ્છમાં કાળમુખા વાહનોનો કહેર: અલગ-અલગ બે હિટ એન્ડ રન કેસમાં બે આશાસ્પદ યુવકોના કરુણ મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ કચ્છમાં હિટ એન્ડ રનના બનેલા બે જુદા જુદા બનાવોમાં બે લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી ગઈ હતી. ઔદ્યોગિક પાટનગર એવા ગાંધીધામની ભાગોળે ભચાઉ તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પગપાળા જઈ રહેલા 34 વર્ષીય શ્યામલાલ ભૈયાલાલ રાવલનું અજાણ્યા વાહનની હડફેટમાં મોત થયું હતું, જયારે ભુજ તાલુકાના ધાણેટી ગામ પાસે ટ્રકમાંથી બહાર નીકળેલા યુવકને પૂરપાટ દોડતી કારે ટક્કર મારી દેતાં મોત થયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીધામ નજીક રાધેશ્યામ ટિમ્બરમાં કામ કરતો અને આ કંપનીની શ્રમિક વસાહતમાં રહેનાર મૂળ મધ્યપ્રદેશ સતના-જારકુંડીનો શ્યામલાલ પોતાના વતન જવા માટે રેલવે સ્ટેશને પહોંચવા નીકળ્યો હતો. હતભાગી માર્ગ ઓળંગી રહ્યો હતો, ત્યારે પૂરપાટ ધસી આવેલાં કોઈ અજાણ્યાં ભારે વાહને તેને કચડી નાંખતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બનાવ સ્થળેથી ભાગી જનારા અજાણ્યાં વાહનચાલક વિરુદ્ધ પ્રવીણકુમાર રામકેશ આદીવાસીએ ગાંધીધામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બીજો આ પ્રકારનો બનાવ ધાણેટી ગામના પાદરે બનવા પામ્યો હતો. જેમાં ભચાઉ તાલુકાના શિકરા ગામનો ૩૫ વર્ષીય હરેશ કોલી તેના ટ્રકમાંથી બહાર નીકળ્યો એ વેળાએ યમદૂત બનીને આવેલી મોટરકારે હરેશને હડફેટે લેતા તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોચી હતી. યુવકને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે.જનરલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button