ભુજ

કચ્છ નહીં દેખા તો ક્યા દેખાઃ દિવાળી વેકેશનમાં કચ્છ પર્યટકોથી છલકાયું


ભુજઃ દીપોત્સવી પર્વનું વેકેશન અને ભાતીગળ બન્ની પ્રદેશના ધોરડો ખાતે શરૂ થઇ રહેલા રણોત્સવને પગલે તેમજ લાગલગાટ મળેલી જાહેર રજાઓને કારણે રણપ્રદેશ કચ્છમાં પ્રવાસીઓનો ભારે ધસારો થવા પામવાની સાથે ગુજરાત સરકારના પર્યટન નિગમના છેલ્લા દોઢ દાયકાના પ્રયાસો જાણે રંગ લાવ્યા છે.

આમ પણ કચ્છને તારાજ કરી જનારા ઈ.સ ૨૦૦૧નાં વિનાશક ભૂકંપ બાદ આ સરહદી જિલ્લાને આંતરરાષ્ટ્રીય ખ્યાતી મળી છે અને આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા’ના સ્લોગનની અસર પણ જોવા મળી રહી છે ત્યારે આ વર્ષે પણ મોટી સંખ્યામાં દેશ-વિદેશથી પ્રવાસીઓ કચ્છ આવી રહ્યા છે. કચ્છના જોવાલાયક સ્થળોએ તેમજ જાહેર માર્ગો પર પણ પ્રવાસીઓના ટોળા અને ટુરિસ્ટ બસોની દોડધામ જોવા મળી રહી છે. હેન્ડીક્રાફ્ટની દુકાનો,કચ્છની પરંપરાગત મીઠાઈ જેવી કે ખાવડાનો મેસુક,ભુજનો ગુલાબ પાક,અડદિયા અને ફરસાણી દુનિયાના પકવાન, શક્કરપારા જેવા વ્યંજનો વહેચતી દુકાનો પર પણ પર્યટકો છુટથી ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. કચ્છમાં ફરવા માટે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓના કેન્દ્રસ્થાનમાં રહેતા ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી લગભગ ૧૩૦થી વધુ હોટેલ-ગેસ્ટહાઉસના ૩૫૦૦થી ૪૦૦૦ જેટલા રૂમો લગભગ હાઉસફુલ થઈ ગયા છે, તો સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય વિવિધ સમાજ હસ્તકના બીજા ૭૦૦ જેટલા રૂમ બુક થઈ ચૂકયા છે.

હોટેલના ભાવ બમણા થયા

બોલીવુડની કોઈ ફિલ્મના ભવ્ય સેટની થીમ પર બનાવાયેલી ટેન્ટસિટીના પ્રથમ સ્લોટમાં ૯૦ ટકાથી વધારે બુકીંગ થઇ ચૂક્યું હોવાનો દાવો ટ્રાવેલ એજન્ટો કરી રહ્યા છે. પ્રવાસીઓની એકાએક ભીડ વધી જતા કેટલાક હોટેલ સંચાલકોએ ગરજનો લાભ લઈ બમણા ભાડાં વસૂલ્યાં હોવાની વ્યાપક ફરિયાદો પણ ઊઠી રહી છે. કચ્છને વૈશ્વિક ફલક પર આગવી ઓળખ અપાવનારું પ્રાચીન નગર ધોળાવીરા, કે પછી નયનરમ્ય માંડવી બીચ કે અન્ય તીર્થધામો હોય હાલ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે.
દરમ્યાન, ભુજના સ્વામિનારાયણ મંદિર હસ્તકના વિશ્રાંતિ ભવન, નીલકંઠ ભવન, હરિકૃષ્ણ ભવન, ઘનશ્યામ ભવન, નરનારાયણ ભવનમાં આવેલા અંદાજિત ૩૦૦ જેટલા રૂમોનું બુકિંગ ફૂલ થઈ ગયું છે. તો મંદિરમાં ચાલતા ભોજનાલયમાં તહેવારોના દિવસે અનુલક્ષી તમામ યાત્રાળુઓને નિ:શુલ્ક ભોજન કરાવવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત માધાપરમાં આવેલા યક્ષ મંદિર તેમજ અન્ય સમાજ હસ્તકના હોલમાં પણ પ્રવાસીઓની રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ છે પણ હાલમાં ત્યાં પગ મુકવાની પણ જગ્યા મળવી મુશ્કેલ હોવાનું અતિથિગૃહનું સંચાલન સંભાળતા આશિષભાઈ ત્રવાડીએ જણાવ્યું હતું.

દરમ્યાન, આજે ભુજમાં મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી સેલ્સિયસ થઇ ગયું હોવા છતાં સવારથી જ પર્યટકો ભુજના જુદા જુદા વિસ્તારોમાં ઘૂમતા જોવા મળ્યા હતા અને જ્યાં કચ્છનો દરબાર ભરતો તે પ્રાગમહેલ, આઈના મહેલ,શરદબાગ પેલેસ, જૂની બજાર, રાજાશાહી કાળની ભવ્ય ઇમારતો તેમજ દરબારગઢમાં દિવસભર પર્યટકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

આપણ વાંચો:  વાહ કચ્છીમાંડુઓઃ આ વર્ષે દિવાળીમાં આ એક કામ સારું કરી તમે રાહ ચિંધી

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button