ભુજ

દીવારેં બોલ ઉઠેગી: આ ખંડેરસમા ભાસતા મકાનોમાં સચવાઈ છે ત્રણ-ત્રણ યુદ્ધોની સ્મૃતિઓ

ભુજઃ દ્વિધામેશ્વર કોલોનીના એ ખંડેર જેવાં મકાનો ભારત-ચીન વચ્ચેના ૧૯૬૨ના યુદ્ધ, પાકિસ્તાન સાથેના ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધની સ્મૃતિઓને સંકોરીને બેઠાં છે.

આ વાત છે ભુજની દ્વિધામેશ્વર કોલોનીની, જે એક સમયે ભુજનો સોસાયટી વિસ્તાર ગણાતો અને અહીં સરકારી અધિકારી-કર્મચારીઓના શિક્ષિત પરિવારો રહેતા. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમ્યાન આ કોલોનીમાંથી લશ્કરી ચહલ પહલ નજરે જોવા મળતી હતી.

આપણ વાંચો: શું ધોની ઉતરશે યુદ્ધ મેદાનમાં? જાણો શું છે ટેરિટોરિયલ આર્મી

આ ઉપરાંત બ્લેકઆઉટના સમય ગાળામાં હોમગાર્ડના જવાનો અહીં ફુટ પેટ્રોલિંગ કરતા અને જો કોઈ ઘરમાંથી લાઇટનો પ્રકાશ ઘરની બહાર આવતો જોવા મળતો તો તેને સમજાવીને અજવાળું બંધ કરાવીને આ જવાનો પરત જતા. આ ઉપરાંત દરેક મકાનની સામે છ ફુટ લાંબા અને ચાર ફુટ પહોળા એવા ચાર ખાડાઓ ખોદવામાં આવતા.

જયારે પાકિસ્તાનના સેબરજેટ વિમાનો ભુજ પરથી ઉડાન ભરતાં અને ભયસૂચક સાયરનો વાગતાં ત્યારે અહીં રહેતા પરિવારો આ ખાડાઓમાં છુપાઈ જતા. ખાડામાં કઈ રીતે આશ્રય લેવો તેની તાલીમ પણ અપાઈ હતી. જયારે સબ સલામતનું સાયરન વાગે ત્યારે લોકો ખાડામાંથી બહાર નીકળતા.

આપણ વાંચો: ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને શું આપ્યું માર્ગદર્શન? જાણો વિગત

આ ઘરોની સામે જ આવેલો ભુજ-માંડવી અને ભુજ-નલિયાનો માર્ગ ત્યારે સિંગલ પટ્ટી હતો અને એ યુદ્ધ દરમ્યાન પશ્ચિમ સરહદોએ શાહિદ થયેલા જવાનોને લશ્કરના શક્તિમાન ટ્રકોમાં ફૂલોના શણગાર સાથે આ રસ્તેથી ભુજ કેન્ટોન્મેન્ટ ખાતે લઇ જવાતા, ત્યારે આખી દ્વિધામેશ્વર કોલોની આ સિંગલ પટ્ટી રસ્તાની બંને બાજુએ ઉભી રહીને શહીદોને નિહાળીને તેમના પર પુષ્પવૃષ્ટિ કરતી.

આજે આ જગ્યા ભલે સુનકાર ભાસે છે પણ આ ખંડેરોમાં સમાયેલી ૧૯૬૨ના ભારત-ચીન વચ્ચેના યુદ્ધ અને ૧૯૬૫ તેમજ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની સ્મૃતિઓ આજે પણ જાણે જીવંત હોય તેવું લાગી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button