ભુજ

કચ્છમાં અલગ અલગ અકસ્માતમાં ત્રણનાં મોતઃ એકમાં 23 વર્ષના યુવકનો શિકાર

ભુજ: કચ્છમાં વીતેલા 24 કલાક દરમ્યાન બનેલા જીવલેણ માર્ગ અકસ્માતના બનાવોમાં ત્રણ યુવકોના અકાળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે. ગત મોડી રાત્રે ભુજ-માંડવી માર્ગ પરની લક્કીવાળી ચાડી પાસે મોટરસાઈકલને અકસ્માત નડતાં ભુજના ધનજી લાખા જોગી (ઉ.વ.૪૬)નું મૃત્યુ થયું હતું. જ્યારે મુંદરાના બાબિયા-બાટિયા માર્ગ પર મોટરસાઇકલ પરથી ઉછળીને માર્ગ પર પટકાતાં પાછળ બેઠેલા ભુજના નોતિયાર આસિફ સલીમ નામના ૨૩ વર્ષના યુવાનનું ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું, જયારે ગાંધીધામ તાલુકાના શિણાય-માથક માર્ગ પર ટેમ્પો પલ્ટી જતાં ભુજનાં ઈબ્રાહિમ ઈસ્માઈલ મેમણે ટૂંકી સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.

પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજ શહેરના સરપટ નાકા બહાર રહેતા ધનજી જોગી ગત રાત્રે મોટરસાઇકલ પર સવાર થઈને ભુજથી માંડવી જઇ રહ્યા હતા. તેઓ લક્કીવાળી ચાડી નજીક પહોંચ્યા ત્યારે કોઇ અજ્ઞાત વાહને મોટરસાઈકલને ટક્કર મારી દેતાં ધનજીને ગંભીર પ્રકારની ઇજા પહોંચતાં સારવાર મળે તે પહેલાં હતભાગીનું મૃત્યુ થયું હતું.

બીજી તરફ, મોટરસાઇકલ પર સવાર થઈને ભુજથી મુંદરા તરફ જઈ રહેલા, ભુજના બે મિત્રો કેવર જાવેદ ઇકબાલ હુશેન અને નોતિયાર આસિફ સલીમને બાબિયા પાટિયાનાં ગામ પાસે અકસ્માત નડ્યો હતો જેમાં આ માર્ગ વચ્ચેના ખાડા પર વાહન ઉછળતાં આકસ્મિક રીતે પાછળ બેઠેલો આસિફ માર્ગ પર પટકાયો હતો. તેને ગંભીર હાલતમાં ૧૦૮ મારફત ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો.

દરમ્યાન, ભુજમાં રહેનારા ઈબ્રાહિમ અને મજીદજુસબ મંધરા મસૂરની દાળનો માલ લેવા મુંદરા ખાતે ગયા હતા. ત્યાંથી તેઓ ટેમ્પો લઈને ગાંધીધામ બાજુ આવવા નિકળ્યા ત્યારે માથકથી શિણાય જતા માર્ગ પર અચાનક બ્રેક મારતા ટેમ્પો પલ્ટી જતાં સર્જાયેલા અકસ્માતમાં ઈબ્રાહિમને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર કારગત ન નીવડતાં હતભાગીએ અંતિમ શ્વાસ લીધા હતા. બેદરકારીપૂર્વક ટેમ્પો ચલાવનારા મજીદજુસબ મંધરા વિરુદ્ધ સલીમ ઈસ્માઈલ મેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો કચ્છમાં ભરઉનાળે મેઘાવી માહોલઃ ચોમેર વરસાદથી જનજીવન પર અસર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button