ગળપાદર જેલમાં કેદીઓને શરાબ પહોંચાડનારા વધુ એક સિપાઈ સહીત ત્રણની ધરપકડ
ભુજ: ગાંધીધામ શહેરની ગળપાદર જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સળિયા પાછળ બંધ ગંભીર કેસના આરોપીઓને શરાબની બોટલો પહોંચતી કરવામાં મદદ કરવા બદલ અગાઉ એક સિપાઈ રવિન્દ્ર મુલિયાની અટક બાદ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે વધુ એક જેલ સિપાઈ સહિત ત્રણ પોલીસકર્મીઓની ધરપકડ કરી લેતાં રાજ્યભરના પોલીસબેડામાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.
ગત 21મી જૂલાઈની મધરાત્રે પૂર્વ કચ્છ પોલીસ દળની વિવિધ ટૂકડીએ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને છ બંદીવાનોને શરાબની મહેફિલ માણતાં રંગેહાથ ઝડપી પાડીને દારૂ ભરેલી બાટલી ઉપરાંત અન્ય ચાર બંદિવાનો પાસેથી એપલ આઈફોન જેવા લકઝરી મોબાઈલ ફોન અને 50000ની બિનવારસુ રોકડ રકમ પણ મળી આવી હતી.
આ પણ વાંચો : ત્રણ વર્ષે માંડ કાર્યરત થયેલા ભાવનગરનાં યશવંતરાય નાટ્યગૃહને ફાયર સેફ્ટીનાં અભાવે ફરી તાળા
જેલમાં દારૂની બોટલ ગાંધીધામના રીઢા બૂટલેગર મનોજ ઊર્ફે પકાડો માતંગે તેના સાગરીત સમીર નરેશ સથવારા અને ગુલફામ હાતિમ શેખ (રહે. બંને નવી સુંદરપુરી, ગાંધીધામ)ને વારાફરતી ફોન કરીને મગાવી હતી. આરોપીઓ બાટલી લઈને જેલ પર ગયાં ત્યારે મુખ્ય પ્રવેશદ્વાર પર સંત્રી તરીકે હાજર પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજાને બાટલી આપી હતી. પૃથ્વીરાજે આ બાટલી પકાડાની બેરેક સામે તૈનાત રવીન્દ્ર મુલિયાને આપેલી અને રવીન્દ્રએ આ બાટલી પકાડાને આપ્યાં બાદ જેલમાં મહેફિલ જામી હતી.
દરમ્યાન, કચ્છ જેવા સંવેદનશીલ વિસ્તારની આ હાય સિક્યોરીટી બેરેકમાં રહેલાં રજાક ઊર્ફે સોપારી, હિતુભા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની ચાલતી ટ્રેને બંદૂકના ભડાકે કરી દેવામાં આવેલી હત્યા કેસના આરોપી સુરજિત ભાઉની બેરેકની છત ઉપરથી પોલીસને બિનવારસી હાલતમાં પચાસ હજાર રૂપિયા રોકડાં મળી આવ્યાં હતાં. તે બાબતે હજુ સુધી ખુલાસો થયો નથી, તેમજ ત્રણ ફરાર હાઈ પ્રોફાઈલ આરોપીઓની ધરપકડ થઇ નથી.