ભુજ

માત્ર કચ્છના બંદરો પરથી વીતેલા પાંચ વર્ષોમાં આટલું ડ્રગ્સ પકડાયુંઃ લોકસભામાં જાહેર થયા આંકડા

ભુજઃ સહેલાણીઓનું ફેવરીટ કચ્છ કમનસીબે ડ્રગ્સ માફિયાઓનું પણ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. કચ્છની દરિયાઈ પટ્ટી આસપાસથી છાશવારે ડ્રગ્સ મળી આવે છે. ત્યારે આ બદંરીય જિલ્લામાંથી પકડાયેલા ડ્રગ્સનો આંકડો લોકસભામાં જાહેર થયો છે, જે ચિંતાજનક છે.

પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓએ માદક પદાર્થને ભારતમાં ઘુસાડવા માટે ગુજરાતના અને ખાસ કરીને કચ્છના સાગર કાંઠાનો ઉપયોગ વધાર્યો છે. વીતેલા માત્ર પાંચ જ વર્ષમાં ભારતીય બંદરો પર માદક પદાર્થ પકડવાના ૧૯ બનાવો બન્યા છે જેમાં કુલ ૧૧૩૧૧ કરોડનું ડ્રગ્સ પકડાયું છે.

આ વચ્ચે ચોંકાવનારી બાબત એ છે કે જેમાંથી ૬૩ ટકા ડ્રગ્સ સીમાવર્તી કચ્છના બંદરો પરથી જપ્ત કરાયું હોવાનું લોકસભામાં આપવામાં આવેલા આંકડા પરથી સામે આવ્યું છે.

દેશના ૧૯ બનાવોમાંથી એકલા કચ્છમાં ૭ બનાવો બન્યા છે. જેમાં કુલ ૭,૧૭૦ કરોડનું ડ્રગ્સ વિવિધ સુરક્ષા એજન્સીઓએ જપ્ત કર્યું છે. વર્ષ ૨૦૨૧માં મુંદરા અદાણી બંદરેથી પકડાયેલું ૫,૯૭૬ કરોડનું હેરોઇન દેશમાં પકડાયેલો સૈાથી મોટો જથ્થો હોવાનું પણ આ આંકડાઓના માધ્યમથી બહાર આવ્યું છે.

આ પણ વાંચો…મુંબઈની બાર ડાન્સરે અમદાવાદના વેપારી સાથે કર્યું પ્રેમનું નાટક, 73 લાખ પડાવ્યા ને પછી…

કપરા કોરોના કાળના વર્ષ ૨૦૨૧માં જ તમિલનાડુના તુતીકોરીનના વી.ઓ. ચિદમ્બરનાર બંદર પરથી ૧,૫૧૫ કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનું કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું તે મુંદરા બાદ બીજા નંબરનો સૌથી મોટો જથ્થો છે. ૨૦૨૦ અને ૨૦૨૪ ની વચ્ચેના સમયગાળા દરમ્યાન દેશના બંદરો પર ડ્રગ્સ જપ્તીના ૧૯ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૦ કેસ ૨૦૨૨માં બન્યા હતા.

ગૃહ મંત્રાલયએ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા ડ્રગ્સમાં કોકેન, હેરોઈન, મેથામ્ફેટામાઈન અને પ્રતિબંધિત પેઈન કિલર ટ્રામાડોલ ગોળીઓનો સમાવેશ થાય છે. આ ૧૯ કેસોમાં, ૨૦૨૧માં મુંદરા અદાણી બંદર પર ૫,૯૭૬ કરોડ રૂપિયાના હેરોઈનનો સૌથી મોટો જથ્થો પકડાયો હતો. તે સમયે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ ૨૯૮૮ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. ગતિશીલ ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત કુલ ૮ બનાવો બન્યા છે. જેમાં એક પીવાવાવ બંદરને બાદ કરતા બાકીના બનાવો કચ્છમાં નોંધાયા છે જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ચિંતાજનક બાબત હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button